Last Updated on by Sampurna Samachar
૧૫.૧૨ લાખ રૂપિયાનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો
પેડલર ડ્રાઈવરને એક ફેરાના ૧૦ હજાર રૂપિયા આપતાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ૩૧ મી ડિસેમ્બરના રોજ યોજાનારી ફાર્મહાઉસ રેવ પાર્ટીઓને ટાર્ગેટ કરીને થાઈલેન્ડથી મંગાવાયેલો ૧૫.૧૨ લાખ રૂપિયાની કિંમતનો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. SMC શેલા-બોપલ રોડ પર આવેલા એપલવૂડ વિલા નજીકથી આ ડ્રગ્સની ડિલિવરી લેતી-આપતી વખતે ૩ આરોપીઓની ધરપકડ કરી છે.

મુખ્ય સપ્લાયર પોતાની લક્ઝરી કારનો ઉપયોગ કરતો હતો અને પોલીસની નજરથી બચવા માટે ગાંજાની ડિલિવરી માટે પોતાના ડ્રાઈવરને ‘પેડલર‘ તરીકે મોકલતો હતો. આ ડ્રાઈવરને એક ફેરાના ૧૦ હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા.
ડ્રાઈવને ગાંજાના પાર્સલ સાથે ઉતારી દીધો
મળતી માહિતી મુજબ, એપલવુડ વિલામાં રહેતા અર્ચિત અગ્રવાલ પર વોચ ગોઠવવામાં આવી હતી, જે થાઈલેન્ડથી આ પ્રતિબંધિત માલ મંગાવીને સપ્લાય કરતો હતો. સોમવારે બપોરે અર્ચિત તેના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલ સોની સાથે લક્ઝરી કારમાં નીકળ્યો હતો અને ડ્રાઈવર રાહુલ ભદોરિયાને બોપલ-શેલા રોડ પરના એપલવૂડ વિલા નજીક ગાંજાના પાર્સલ સાથે ઉતારી દીધો હતો, જ્યારે પોતે ફરાર થઈ ગયો હતો.
પોલીસને શંકા ન જાય તે માટે તે પોતે કારમાં નીકળતો અને ડ્રાઈવર પાસે ડિલિવરી કરાવતો હતો. આ દરમિયાન, SMC ટીમે તુરંત કાર્યવાહી કરીને રાહુલ ભદોરિયા તેમજ ગાંજો લેવા આવેલા રવિ માર્કન અને દર્શન પરીખ ને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી કુલ ૪૩૨ ગ્રામ હાઈબ્રિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા રવિ અને દર્શન આ જથ્થો શહેર અને જિલ્લાના ફાર્મહાઉસોમાં યોજાનારી ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા.
પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની પાસેથી ગ્રાહકોની વિગતો અને આ સપ્લાય ચેઈનમાં સંકળાયેલા અન્ય લોકોની માહિતી મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે મુખ્ય સપ્લાયર અર્ચિત અગ્રવાલ અને તેના ભાગીદારને પકડવા ની તજવીજ હાથ ધરવામાં આવી છે.