Last Updated on by Sampurna Samachar
રોહિતની કેપ્ટનશીપમાં ભારતે ફાઇનલમાં જગ્યા બનાવી
ભારત માટે મેચ વિનિંગ ઈનિંગ સાબિત થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં ભારતની ભવ્ય જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ૪ વિકેટે હરાવી ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે. આ સાથે જ ભારતે સતત ત્રીજી વખત આ ટૂર્નામેન્ટમાં ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારત માટે આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમી. તેની આ ઈનિંગે રેકોર્ડ બુકમાં પોતાનું નામ લખાવી દીધું છે. માત્ર કોહલી જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયા અને કેપ્ટન રોહિતે પણ આ મેચ બાદ અનેક રેકોર્ડ બનાવ્યા છે.
આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા ૪૯.૩ ઓવરમાં ૨૬૪ રન બનાવ્યા હતા. ભારતે આ ટાર્ગેટ ૪૮.૧ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો. કોહલી ૯૮ બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૮૪ રનની શાનદાર ઈનિંગ રમ્યો. તેની ઈનિંગ ભારત માટે મેચ વિનિંગ ઈનિંગ સાબિત થઈ.
ભારત બીજી મારવામાં સફળ રહ્યું
આ જીત બાદ રોહિત શર્મા ચારેય મોટી ICC ઈવેન્ટ્સની ફાઈનલમાં જગ્યા બનાવનાર વિશ્વનો પ્રથમ કેપ્ટન બની ગયો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ-૨૦૨૩ની ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ત્યારબાદ વનડે વર્લ્ડ કપ-૨૦૨૩ અને T૨૦ વર્લ્ડ કપ-૨૦૨૪માં પણ ભારત (BHARAT) ફાઈનલમાં પહોંચ્યું હતું. ૨૦૨૩માં ભારતનો પરાજય થયો હતો અને આ ઘા તેને ઓસ્ટ્રેલિયાએ આપ્યો હતો. જ્યારે ૨૦૨૪માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવી દીધું હતું.
આમ, જે ધોની ના કરી શક્યો તે રોહિતે કરી બતાવ્યું. ટીમ ઈન્ડિયાની આ દુબઈમાં સતત નવમી જીત છે. છેલ્લી ૧૦ મેચમાંથી ભારત આ મેદાન પર કોઈ પણ મેચ નથી હાર્યું. નવ મેચમાં જીત હાંસલ કરી છે તો બીજી તરફ એક મેચ ટાઈ રહી છે. કોઈ એક મેદાન પર સતત મેચ જીતવાના મામલે ભારત બીજા નંબર પર છે. બીજા નંબર પર ન્યૂઝીલેન્ડ છે જેણે ડુનેડિનમાં સતત ૧૦ મેચ જીતી છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીના નોકઆઉટ મુકાબલામાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે આ ત્રીજી જીત છે. ૧૯૯૮માં ભારતે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ૨૦૦૦માં પણ ઓસ્ટ્રેલિયા ક્વાર્ટર ફાઇનલમાં ભારત સામે હારી ગયું હતું. હવે આ ત્રીજી વખત છે જ્યારે ભારત બીજી મારવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત ભારતે જે ટાર્ગેટ ચેઝ કર્યો છે તે ICC વનડે નોકઆઉટ ઓસ્ટ્રેલિયા સામે ચેઝ કરેલો સૌથી મોટો ટાર્ગેટ પણ છે.