આ મામલો પોલીસ મથકે પહોંચ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા જિલ્લાના નર્મદા નદીના તટે નાંદોદ તાલુકાના માંગરોલ ગામ આવેલા પ્રખ્યાત ધનેશ્વર મહાદેવ મંદિરની પ્રોપર્ટી મુદ્દે ત્યાં જ રહેતા બે સાધુઓ વચ્ચે વિખવાદ પેદા થયો છે. પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુ અને મંદિરની નજીક રહેતા અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સદાનંદ મહારાજ વચ્ચે વિખવાદ થતા આ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.
પોતાને ધનેશ્વર મંદિરના મહંત તરીકે ગણાવતા મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસે ૧૦૦ નંબર પર ફોન કરી ફરિયાદ કરી હતી કે સદાનંદ મહારાજ અને અન્ય લોકોએ એમના આશ્રમ પર રાત્રે પથ્થર મારો કરી અપશબ્દો બોલ્યા હતા.આ ફરિયાદને લઈને પોલીસ ત્યાં પહોંચી હતી, એ દરમિયાન મહંત જાનકીદાસ બાપુની પત્ની ભાગવતદાસ પોલીસ સાથે સદાનંદ મહારાજના આશ્રમ પર પહોંચ્યા હતા અને પોલીસની હાજરીમાં જ સ્વામી સદાનંદ મહારાજ પર હુમલો કર્યો હતો.જાે કે આ તમામની વચ્ચે એ તમામને પોલિસ મથકે લઈ જવાયા હતા અને કાયદેસરની કાર્યવાહી બાદ મુક્ત કરાયા હતા.
આ બાબતે અખિલ ભારતીય સંત સમિતિના નર્મદા જિલ્લા મંત્રી સ્વામી સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે આ લોકોએ અનેક વાર મારી પર હુમલો કર્યો છે, એ લોકો ધનેશ્વરની પ્રોપર્ટી હડપ કરવા માટે અનેક ષડયંત્રો કરી મંદિર અને ગામનો માહોલ બગાડી રહ્યા છે. જ્યારે મહંત જાનકી દાસ મહારાજે જણાવ્યું હતું કે હું અને મારી પત્ની શાંતિથી આશ્રમમાં રહી લોકોની સેવા કરીએ છીએ.આ મંદિરના પુર્વ મહંત રામપ્યારે દાસની પણ હત્યા કરવામાં આવી હતી એટલે મારી પણ હત્યા થશે એવો મને ડર છે.