આ ધરપકડો અને દરોડા તેમના ડરનું પરિણામ છે : કેજરીવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોર-શોરથી તૈયારી કરી રહ્યા છે. વરિષ્ઠ નેતાઓમાં આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CM આતિશી અને પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાને લઈને મોટો દાવો કર્યો છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે.
દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે દિલ્હીના CM આતિશીની ધરપકડ કરવામાં આવશે અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવશે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક દિવસોમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાના ઘરે CBI ના દરોડા પડશે. ભારતીય જનતા પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણી હારી રહી છે. આ ધરપકડો અને દરોડા તેમના ડરનું પરિણામ છે. કેજરીવાલે વધુમાં કહ્યું કે તેઓને અમારી વિરુદ્ધ આજ સુધી કંઈ નથી મળ્યું નથી અને ભવિષ્યમાં પણ કંઈ નહીં મળશે. આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે.’ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે, નવી દિલ્હી વિધાનસભામાં મતદારોના નામ ઉમેરવા અને હટાવવામાં મોટા પાયે છેતરપિંડી થઈ રહી છે. દિલ્હીના સીએમ આતિશીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને પુરાવા રજૂ કર્યા છે અને તેમને મળવા માટે સમય માંગ્યો છે.