Last Updated on by Sampurna Samachar
રૂ. ૨૦૦૦ કરોડનાં ક્લાસરૂમ કૌભાંડ મામલે વધુ એક FIR દાખલ
ફરિયાદમાં અન્ય અધિકારીઓ અને કોન્ટ્રાકટરોનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા અને પૂર્વ PWD મંત્રી સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીઓ ફરી વધી હોવાના સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની એન્ટી કરપ્શન બ્રાન્ચે રૂ. ૨૦૦૦ કરોડનું ક્લાસરૂમ કૌભાંડ મામલે આ બંને નેતાઓ વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધી છે. આ કૌભાંડમાં અન્ય સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની સંડોવણી હોવાની શક્યતાઓ પર તપાસ થઈ રહી હોવાનું ACB ચીફ મધુર વર્માએ જણાવ્યું હતું.

કથિત લીકર કૌભાંડ અને મની લોન્ડરિંગના આરોપોનો સામનો કરી રહેલા સિસાદિયા અને જૈન વિરૂદ્ધ શાળાઓના ક્લાસરૂમ બાંધકામમાં રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. ACB એ જણાવ્યા પ્રમાણે, આમ આદમી પાર્ટીએ પોતાની સરકારના કાર્યકાળમાં ૧૨, ૭૪૮ ક્લાસરૂમ બાંધકામમાં રૂ. ૨૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું. કેજરીવાલની સરકારમાં નાયબ મુખ્યમંત્રી સિસોદિયા શિક્ષણ વિભાગ સંભાળી રહ્યા હતા. જ્યારે જૈન PWD નો ચાર્જ સંભાળી રહ્યા હતા.
ક્લાસરૂમના નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ
ક્લાસરૂમના બાંધકામનો કોન્ટ્રાક્ટ ૩૪ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો. જે તમામ આપ સાથે જોડાયેલા હતા. ACB એ જણાવ્યું હતું કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ એડવાઈઝર અને આર્કિટેક્ટની નિમણૂક કરવામાં આવી હતી. સસ્તી ગુણવત્તાના ક્લાસરૂમ બાંધી ખર્ચ ઉચ્ચ કક્ષાની ગુણવત્તાને સમકક્ષ દર્શાવવામાં આવ્યો હતો. રજૂ કરવામાં આવેલા ટેન્ડરમાં ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. ૨૪.૮૬ લાખ પ્રતિ રૂમ દર્શાવાયો હતો. જ્યારે દિલ્હીમાં આ પ્રકારના ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. ૫ લાખ પ્રતિ રૂમ છે.
ભાજપ સાંસદ મનોજ તિવારીએ ૨૦૧૯ માં દિલ્હીની ૨૩,૨૪, અને ૨૮ ઝોનની સરકારી શાળાઓમાં ક્લાસરૂમના નિર્માણમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ક્લાસરૂમ દીઠ રૂ. ૨૮ લાખનો ખર્ચ કર્યો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે દિલ્હીમાં એક ક્લાસરૂમના બાંધકામનો ખર્ચ રૂ. ૫ લાખ છે.
મનીષ સિસોદિયાની ભ્રષ્ટાચારના કેસમાં CBI એ ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ અને ED એ ૯ માર્ચ ૨૦૨૩ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જેલમાં હતા. સિસોદિયાએ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. લગભગ ૧૭ મહિના સુધી જેલમાં રહ્યા બાદ કોર્ટે જામીન આપ્યા હતાં. સિસોદિયાએ તમામ આરોપોને ફગાવી કેસ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.