ભાજપ સરકાર અને તેમના મળતિયા ખેડૂતોને ટલ્લાવી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
માણાવદરમાં મગફળીની ખરીદીમાં બારદાનને લઈને કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરી રહી છે અને ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ માટે ગુજકોમાસોલને જવાબદાર ઠેરવી છે. માણાવદરમાં મગફળીની ખરીદી બારદાનના અભાવે અટકી હોવાના બાબતે કોંગ્રેસે જણાવ્યું હતું કે ભાજપ સરકાર અને તેમના મળતિયા આ મુદ્દે ખો-ખો રમી રહ્યા છે અને તેઓએ રીતસરના ખેડૂતોને ટટળાવી રહ્યા છે.
તેમણે હાલમાં સરકાર અને તંત્ર બધુ ભાજપનું છે તો પછી તેઓ મગફળી ખરીદવા માટે નડતા અધિકારીઓ સામે પગલાં કેમ લેતા નથી, તેમને સસ્પેન્ડ કેમ કરતા નથી. ફક્ત બધુ લોકોને બતાવવા માટે છે. વાસ્તવમાં ભાજપના મળતિયાઓને મગફળીની ખરીદીમાં ફાયદો કરાવવા માટે ખેડૂતોના પેટ પર લાત મારવામાં આવી રહી હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું.
આ અંગે ભાજપના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે માણાવદરમાં મગફળી ખરીદવા માટે બે મંડળીઓ મંજૂર થઈ છે અને તેના ૬,૨૦૦ ખેડૂત છે. પછી ખેડૂતોને માંગને ધ્યાનમાં રાખીને સરકારે ત્રીજી અને ચોથી મંડળી પણ મંજૂર કરી હતી. તેના પગલે પહેલી અને બીજી મંડળીના ખેડૂત સભ્યો કાપીને ત્રીજી અનેચોથી મંડળીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તેમા પહેલી, ત્રીજી અને ચોથી મંડળીમા સામેલ ખેડૂતોનું તો બધુ બરોબર ચાલી રહ્યુ છે,પણ બીજી મંડળીમાં તકલીફ છે.
આ મંડળી ગુજકોમાસોલના કોઈ અધિકારી સાથે સંલગ્ન હોવાનું જાણવા મળ્યું છે.તેને લઈને બારદારનથી લઈને બધા મોરચે તકલીફ પડી રહી છે. બારદાન આપવા માટે જે ટ્રક આવવી જાેઈએ તે પણ હજી આવી નથી. અમારી અનેક રજૂઆતો ગુજકોમાસોલના અધિકારીઓ સાંભળતા નથી. તેમા પણ ગુજકોમાસોલના નરેન્દ્ર અને ભરત ભાઈ નામના હોદ્દેદાર તો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોવાનું જાણવા મળ્યું છે. અમે આ અંગે રાજ્ય સરકારને લેખિત જાણ કરીને પગલાં લેવા પણ જણાવ્યું છે. તેથી આ મુદ્દાનું આગામી સમયમાં નિરાકરણ આવી જશે તેવો દાવો તેમણે કર્યો હતો.