Last Updated on by Sampurna Samachar
“માઈ મમતા નંદ ગિરિ” નામથી આધ્યાત્મિક જીવન અપનાવ્યું
ક્યારેય દાઉદને મળી નથી તેમ પણ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
૯૦ના દાયકાની બોલીવુડની બોલ્ડ અભિનેત્રીમાંથી બનેલી સાધ્વી મમતા કુલકર્ણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેનાથી દેશભરમાં હોબાળો મચી ગયો છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો બચાવ કરતી હોવાનું તેમનું નિવેદન સામે આવ્યું છે. દાઉદને ક્લીન ચિટ આપતાં તેણીએ કહ્યું કે, તે આતંકવાદી નથી. મમતાનું આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટોમાં ૨૫૭ લોકો માર્યા ગયા હતા, અને CBI અને NIA ના અહેવાલો અનુસાર, આ હુમલામાં દાઉદ માસ્ટરમાઇન્ડ હતો. તે ISI ની નજીક હોવાનું માનવામાં આવે છે અને તે હાલ પણ ફરાર છે. ભારતીય ન્યાયતંત્ર અને એજન્સીઓએ દાઉદ ઇબ્રાહિમને ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યો હતો. તેમ છતાં પણ મમતા કુલકર્ણીએ આ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું.
દાઉદ ઇબ્રાહિમ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક
મમતા કુલકર્ણીએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં આ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેણીએ કહ્યું હતું કે, “દાઉદ ઇબ્રાહિમ આતંકવાદી નહોતો, તેણે બોમ્બ વિસ્ફોટ કર્યા નહોતા. તે આતંકવાદી નથી. તેણે ક્યારેય મુંબઈમાં કોઈ વિસ્ફોટ કર્યા નથી.” જોકે, મમતાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, તે ક્યારેય દાઉદને મળી નથી.
તેણીએ વધુમાં કહ્યું હતું કે, તે હવે સંપૂર્ણપણે આધ્યાત્મિકતાના માર્ગ પર છે અને તેનો રાજકારણ કે, ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ સંબંધ નથી. જોકે, તેણીનું નિવેદન રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયું છે. આપણે બધા જાણીએ છીએ કે, દાઉદ ઇબ્રાહિમ મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે.
મમતા કુલકર્ણીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દાઉદ ઇબ્રાહિમને સત્તાવાર રીતે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ તરીકે માનવામાં આવ્યો છે અને તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી યાદીમાં છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેના નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો છે. કેટલાકે તેને “ન્યાયિક પ્રક્રિયાનું અપમાન” ગણાવ્યું છે, જ્યારે કેટલાકે તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો છે.
૧૯૯૦ના દાયકામાં “કરણ અર્જુન,” “કૃષ્ણા,” “બાઝી,” અને “ક્રાંતિવીર” જેવી સુપરહિટ ફિલ્મોથી સ્ટારડમ મેળવનાર મમતા “ઇટ ગર્લ” તરીકે જાણીતી હતી. જોકે, ૧૯૯૦ના દાયકાના અંતમાં તે અચાનક ગાયબ થઈ ગઈ હતી.
૨૦૧૬માં, જ્યારે કેન્યામાં ડ્રગ ટ્રાફિકિંગ કેસમાં તેનું નામ આવ્યું હતું, ત્યારે તેના કથિત પતિ, વિક્રમ ગોસ્વામી (વિકી) ની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે દાઉદનું નામ પણ જોડવામાં આવ્યું હતું, કારણ કે વિક્કી પર છોટા રાજન અને દાઉદ ગેંગ વચ્ચેની દુશ્મનાવટમાં સામેલ હોવાનો આરોપ હતો.
મમતા હંમેશા આ આરોપોને નકારતી હતી. ૨૦૨૫ના કુંભ મેળા પહેલા તે ભારત પરત ફરી હતી. તેના કહેવા મુજબ, તેણે ૧૨ વર્ષ સુધી તપસ્યા કરી હતી. કુંભ મેળામાં, તેણે સંન્યાસ લીધો અને “માઈ મમતા નંદ ગિરિ” નામથી આધ્યાત્મિક જીવન અપનાવ્યું હતું.
 
				 
								