Last Updated on by Sampurna Samachar
બે કાર વચ્ચે ટક્કર થતા કારમાં લાગી આગ
ગંભીર અકસ્માતની ઘટના CCTV માં કેદ થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં સતત રોજ રોડ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. જૂનાગઢના માળિયા હાટીના નજીક આવેલા ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં સાત લોકોનાં મોત નિપજ્યાં છે. આ ગંભીર અકસ્માતમાં ૭ મૃતકમાં પાંચ વિદ્યાર્થીનો સમાવેશ છે. જે પરીક્ષા આપવા જતા હતા. બે કારની ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુના ઝૂંપડામાં પણ આગ લાગી હતી. ગંભીર અકસ્માતની આ ઘટના CCTV માં પણ કેદ થઈ છે.
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, જૂનાગઢ-વેરાવળ હાઇવે માળિયા હાટીના પાસે આવેલા ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે વચ્ચે ભયંકર ટક્કર થઇ હતી. જેમાં પરીક્ષા આપવા જતા પાંચ વિદ્યાર્થી સહિત ફલ સાત લોકોનાં મોત થયાં હતા. બે કારની વચ્ચે ટક્કર થતાં એક કારમાં રહેલો ગેસનો બાટલો ફાટતાં બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલા સાથે ૧૦૮ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરની ટીમે ઝૂંપડામાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માત અંગેની આગળની તપાસ હાથ ધરી છે. બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગંભીર આકસ્માતના સામે આવેલા CCTV માં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે એક કાર બ્રિજ તરફથી જઇ રહી છે. જ્યારે સામેથી આવતી બીજી કાર કોઇ કારણોસર ડિવાયડર કૂદીને બ્રિજ તરફથી જતી કારને સામેથી ટક્કર મારે છે. ટક્કર એટલી ભયંકર છે કે બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. સાતેય મૃતદેહ માળિયા ખાતે પીએમ અર્થે ખસેડાયા છે.
આ અંગે DYSP દિનેશ કોડિયાતારએ જણાવ્યું હતું કે, વહેલી સવારે આઠ વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં સાત લોકોનાં મોત થયાં છે. હાલ સાતેય મૃતદેહો માળિયાની સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત કંઇ રીતે થોય એની આગળની તપાસ ચાલુ છે.