Last Updated on by Sampurna Samachar
બેકાબૂ થયેલી પિકઅપ ગાડીએ કચ્ચરઘાણ વાળી દીધો, ૮ ના મોત
આ ઘટના ૫૧ શક્તિપીઠ કડા ધામ મંદિરેથી પરત ફરતી વખતે થઈ : તમામ શ્રદ્ધાળુઓ ફતેહપુરના રહેવાસી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં થયેલા ભીષણ રોડ અકસ્માતમાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક પિકઅપ બેકાબૂ થઈને ટ્રેલર સાથે ભયંકર રીતે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ૮ શ્રદ્ધાળુના મોત થઈ ગયા છે, જ્યારે ૧૨થી વધારે શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. પોલીસ ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્યા છે. આ ઘટના ૫૧ શક્તિપીઠ કડા ધામ મંદિરેથી પરત ફરતી વખતે થઈ છે. તમામ શ્રદ્ધાળુઓ ફતેહપુરના રહેવાસી છે.

હકીકતમાં જોઈએ તો, ફતેહપુરના કરૌલી ગામથી લગભગ ૧૮ લોકો એક પિકઅપ વાહનમાં બેસીને મુંડન સંસ્કાર માટે પ્રયાગરાજ ગયા હતા. કાર્યક્રમ બાદ તમામ લોકો પાછા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમ્યાન સૈની વિસ્તારના અતસરાય નજીક NH-૨ પર તેમની ગાડીને ભયાનક અકસ્માત થઈ ગયો. આ દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઘટનાસ્થળ પર જ ૮ લોકોના મોત થઈ ગયા. જ્યારે કેટલાય અન્ય ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ તરત પોલીસને સૂચના આપી અને રાહત-બચાવ કાર્ય શરુ કરી દીધું.
આ રોડ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મરનારા લોકોમાં ૩ બાળકો અને ૨ મહિલાઓ પણ સામેલ છે. મુખ્ય મંત્રી યોગીએ કૌશાંબીમાં થયેલા આ ભયાનક અકસ્માત પર પ્રતિક્રિયા આપતા મૃતકોના પરિવારોને ૨-૨ લાખ રુપિયાની આર્થિક સહાય આપવાની ઘોષણા કરી છે. ઘાયલોને ૫૦-૫૦ હજારની આર્થિક મદદ મળશે.