Last Updated on by Sampurna Samachar
ટેન્ડર પ્રમાણે કામ ન કરી ભ્રષ્ટાચાર આચરાયો
મકાન મળ્યાની સાથે જ મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટે સરકાર આવાસ યોજના લાવે છે. પરંતુ લેભાગૂ કોન્ટ્રાક્ટરો કામમાં વેઠ વાળે છે અને પૈસા ખાઈ જાય છે. આવો જ કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જ્યાં PM આવાસ યોજનાના લાભાર્થીઓ પરેશાન થઈ ગયા છે.
ચાર વર્ષ પહેલા જ જે આવાસ લાભાર્થીઓને સોંપવામાં આવ્યા તેની હાલત ખરાબ છે. આવાસ અસુવિધાઓનું સરનામું બની ગયા છે. ટેન્ડર પ્રમાણે કામ ન કરીને કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.
પરેશાન સ્થાનિકોએ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી
વડોદરાના હરણીમાં TP ૧, FP ૧૩૮માં બનેલા પ્રધાનમંત્રી આવાસની. જ્યાં ઘર મળતા લાભાર્થીઓ ખુશ હતા. પરંતુ તેમની આ ખુશી વધારે ન ટકી. મકાન મળ્યાની સાથે જ મુશ્કેલીઓની શરૂઆત થઈ ગઈ. ક્યાંકથી પાણી ટપકે છે તો ક્યાંક ગટર ઉભરાય છે. એટલું જ નહીં ટેન્ડર પ્રમાણે આવાસ યોજનામાં જે સુવિધાઓ આપવાની હતી. તે આપવામાં આવી નથી.
આવાસ યોજના અસુવિધાઓનું સરનામું બની ગઈ હોય એવી સ્થિતિ છે. DPR પ્રમાણેની ૧૦થી વધુ મુખ્ય કામગીરી અધુરી છે. રસોડામાં ગ્રેનાઈટના બદલે કોટા સ્ટોન નાખવામાં આવ્યા તો દાદર પરના પથ્થર જ નથી નાખવામાં આવ્યા. ગેસ કનેક્શન માટે તો સ્થાનિકોએ જાતે ખર્ચ કરવો પડ્યા. આ બધાનો સરવાળો કરીએ તો લગભગ ચાર કરોડ જેટલું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
પારાવાર સમસ્યાઓથી પરેશાન સ્થાનિકોએ પ્રધાનમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરી છે. તો વિપક્ષે કૌભાંડની તપાસની માંગ કરી છે. તંત્રએ તો ફરી એકવાર વચન આપી દીધું પરંતુ એ તેમને યાદ રહે એ જરૂરી છે. ગરીબો સાથે આવાસના નામે મજાક કરનાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી જરૂરી છે અને આમાં જો કોઈ અધિકારીની સંડોવણી હોય તો તેને દાખલારૂપ સજા કરવી પણ જરૂરી છે. તો જ તેમને સબક મળશે અને ભવિષ્યમાં ભ્રષ્ટાચાર કરતા ચાર વાર વિચારશે.