Last Updated on by Sampurna Samachar
વડોદરાના અંકોડિયા કેનાલ પર મોટી દુર્ઘટના
યુવક-યુવતીઓની સુરક્ષાને લઇ પોલીસ પર સવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગરમાં કેનાલ પાસે બનેલી ઘટનાની શાહી હજું સુકાઈ નથી, ત્યાં નવરાત્રીના ત્રીજા નોરતાની રાત્રે વડોદરાના અંકોડિયા કેનાલ નજીક એક યુવક અને યુવતીને બુકાનીધારી ત્રણ લૂંટારુઓએ લૂંટી લીધાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે લગભગ ૧ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં લૂંટારુઓએ ચાકુની અણીએ બંનેને ડરાવીને લાખ રૂપિયાથી વધુની કિંમતી વસ્તુઓ લૂંટી લીધી અને ફરાર થઈ ગયા હતા. સદ્દનસીબે ગાંધીનગર જેવી ઘટના બનતા બનતા રહી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક્ટિવા પર સવાર એક ૨૪ વર્ષની ઝ્રછની વિદ્યાર્થિની અને તેના ૩૦ વર્ષના મિત્ર એકાંત માણવા માટે અંકોડિયા કેનાલના વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન, મોકો જોઈને બુકાનીધારી ત્રણ લૂંટારુઓએ તેમને ઘેરી લીધા હતા. લૂંટારુઓએ યુવક-યુવતીને ચાકુ બતાવી ડરાવીને તેમની પાસેથી દાગીના, બે આઇફોન અને રોકડા રૂપિયા મળીને કુલ રૂ. ૧ લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ ત્રણેય લૂંટારુઓ અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
ઘટના સેવાસી પોલીસ ચોકીથી માત્ર થોડે જ દૂર બની
આ ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરવામાં આવી છે. જોકે, પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લૂંટનો ભોગ બનેલા યુવક કે યુવતીમાંથી કોઈએ પણ હજી સુધી સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી નથી. સૌથી ગંભીર બાબત એ છે કે આ લૂંટની ઘટના સેવાસી પોલીસ ચોકીથી માત્ર થોડે જ દૂર બની છે, જેના કારણે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ ભાયલી વિસ્તારમાં લૂંટના ઇરાદે એક સગીરા સાથે ગેંગરેપની ગંભીર ઘટના બની હતી. આ પ્રકારની ઘટનાઓ સૂચવે છે કે એકાંત સ્થળોએ યુવક-યુવતીઓની સુરક્ષા અને રાત્રિ પેટ્રોલિંગને લઈને પોલીસે વધુ જાગૃત થવાની જરૂર છે.