Last Updated on by Sampurna Samachar
દિવાલ ધરાશાઇ થતા 7 લોકો ઇજાગ્રસ્ત
બાંધકામ માલિક વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મકાનના નિર્માણ કાર્ય દરમિયાન મોટી અણધારી ઘટના ઘટી હતી. બેઝમેન્ટ માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક બાજુની દિવાલ ધરાશાયી થતા સાત લોકો કાટમાળ નીચે ફસાયા હતા. આ ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

દુર્ઘટના સર્જાતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકોએ કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું હતું અને કાટમાળ નીચે દબાયેલા તમામ સાત ઘાયલોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.
સાત ઇજાગ્રસ્તમાંથી ચાર લોકોની હાલત ગંભીર
હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર સારવાર હેઠળના સાત લોકોમાંથી ચારની હાલત ગંભીર છે. જ્યાં બેના મોતની માહિતી છે. તેમજ ગંભીર ઇજાગ્રસ્તોને સ્પેશિયલ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા અને જરૂર જણાયે તેમને હાયર સેન્ટર રિફર કરવાની તૈયારી પણ રાખવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ SDM બાહ અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બેઝમેન્ટ માટે ઊંડું ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. ખોદકામના કારણે પાયા નબળા પડતા ઉપરની દિવાલ ધસી પડી હતી. બાંધકામ દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને બાંધકામ માલિક વિરુદ્ધ નિયમોના ઉલ્લંઘન બદલ તપાસ હાથ ધરી છે.