Last Updated on by Sampurna Samachar
દરરોજ અંદાજે ૩૦૦૦ લિટર નકલી ગુજરાતમાં સપ્લાય થતુ
અગાઉ આ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ થઇ ગઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામે લોકોના સ્વાસ્થય સાથે ગંભીર ચેડાં કરતા નકલી દૂધના કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે હવે મુખ્ય સૂત્રધાર અને ડેરીના સંચાલક રાકેશ પટેલ ઉર્ફે ધમાને ઝડપી પાડ્યો છે. અગાઉ આ કેસમાં ૫ આરોપીઓની ધરપકડ બાદ મુખ્ય સંચાલક ફરાર હતો, જેને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી રાકેશ પટેલ પોતાની ડેરીમાં શુદ્ધ દૂધને બદલે ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર અને અન્ય કેમિકલ્સનો ઉપયોગ કરી નકલી દૂધ તૈયાર કરતો હતો. આ દૂધ માત્ર જોવામાં જ સફેદ હતું, પરંતુ વાસ્તવમાં તે માનવ શરીર માટે અત્યંત ઘાતક અને ઝેરી હતું. આ ડેરીમાં માત્ર દૂધ જ નહીં, પરંતુ છાસ સહિતની અન્ય ડેરી પ્રોડક્ટ્સ પણ નકલી રીતે બનાવી બજારમાં વેચવામાં આવતી હતી.
આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેની તપાસ શરૂ
તપાસમાં ખુલાસો થયો છે કે આ ડેરીમાંથી દરરોજ અંદાજે ૩૦૦૦ લિટર નકલી દૂધ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું. બજારના શુદ્ધ દૂધના ભાવે આ ઝેરી દૂધ પધરાવીને આરોપી લાખો રૂપિયાની કમાણી કરતો હતો. અગાઉ પોલીસે આ ડેરી પર દરોડો પાડીને મોટા પ્રમાણમાં કેમિકલ અને સાધનો જપ્ત કર્યા હતા.
મુખ્ય સંચાલક રાકેશ પટેલ ઝડપાતા હવે પોલીસ તેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન આ કૌભાંડ કેટલા વર્ષોથી ચાલતું હતું, ગુજરાતના કયા કયા શહેરોમાં આ દૂધ સપ્લાય થતું હતું અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે, તે અંગે ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.