Last Updated on by Sampurna Samachar
ગેંગના સાત ભેજાબાજની પણ કરાઇ ધરપકડ
જાહેર પાર્કિંગ અને બ્રીજ નીચે પાર્ક કરેલા વાહનોની કરતા હતા ચોરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર અને રેલવે પોલીસની હદમાં છેલ્લા એક વર્ષમાં વાહન ચોરીના ગુના અંગેની અઢળક ફરિયાદો નોંધાવા પામી હતી. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા ધર્મેશ રાણાની સાબરમતી રેલવે પોલીસે બાતમીના આધારે ચાંદલોડિયા તળાવ પાસેથી ધરપકડ કરી છે.
જેની પૂછપરછમાં સમગ્ર હકીકત સામે આવી કે આરોપીએ છેલ્લા એક વર્ષમાં એક બે નહી પરંતુ કુલ ૨૮ ટુ-વ્હીલર વાહનોની ચોરીને અંજામ આપી ચુક્યો છે. આટલું જ નહીં આ રીઢો ગુનેગાર તેના સાથીદાર અને બાવળાના રહેવાસી એવા આરોપી બહાદારની મદદથી ચોરીના વાહનો વેચવામાં આવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે, ત્યારે સાબરમતી રેલવે પોલીસે આ બંનેની ધરપકડ કરીને ચોરીના વાહન ખરીદનાર સહીત કુલ ૭ આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના વિવિધ ચાર પોલીસ સ્ટેશનના ૨૮ કેસો ઉકેલાયા
પશ્ચિમ અમદાવાદમાં જાહેર પાર્કિંગ અને બ્રીજ નીચે પાર્ક કરેલા ટુ-વ્હીલરના ચોરીના અનેક કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. ત્યારે છેલ્લા એક વર્ષથી આ પ્રકારના ગુના આચરતી ટોળકીના સાત આરોપીની સાબરમતી રેલવે પોલીસે ધરપકડ કરી છે.
નોંધનીય છે કે, પહેલા સાબરમતી રેલવે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર વી.એન. સિંગરખીયા અને તેમની ટીમે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીને ચાંદલોડીયા તળાવ પાસેથી ધરપકડ કરી હતી. જે બાદ કડીથી કડી જોડાતા આ સાતેય આરોપીયો પકડાયા છે.
ઝડપાયેલા આરોપી ધર્મેશ રાણાએ કબુલાત કરતા જણાવ્યું કે, આખી ગેંગે છેલ્લા એક વર્ષમાં ૨૮ ટુ-વ્હીલ વાહનોની ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ ધર્મેશ રાણા તેના મિત્ર બહાદુરને ચોરી કરેલા ટુ-વ્હીલર વેચવા આપી દેતો હતો અને આરોપી બહાદુર કમીશન લઈને આ ચોરી કરેલા ટુ-વ્હીલને બાવળા અને તેની આસપાસના લોકોને વેચી દેતો હતો.
આરોપીની આ કબુલાત બાદ રેલવે પોલીસે ચોરી થયેલા તમામ ૨૮ ટુ-વ્હીલર રીકવર કરી લીધા છે. ઉપરાંત વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોડકદેવ અને સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં વાહન ચોરીના વણશોધાયેલા કેસોનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
આરોપીની ધર્મેશ રાણા કબૂલાત મુજબ, તે ઘરેથી બસમાં બેસીને ટુ-વ્હીલરની ચોરી કરવા આવતો હતો. તે સાણંદ તેના ઘરેથી બસમાં બેસીને સાણંદ ચોકડી ઉતરતો હતો. ત્યાંથી રીક્ષામાં બેસીને ઇસ્કોન અને સોલા બ્રીજ પાસે આવીને મોટાભાગે બ્રીજ નીચે પાર્ક કરેલા ટુ-વ્હીલર વાહનને નીશાને બનાવતો.
તેની પાસે રહેલી ત્રણ અલગ અલગ માસ્ટર કી વડે તે લોકો ખોલીને બાઈક લઈ બાવળા તેના મિત્ર બહાદુરને આપી દેતો હતો. આમ તેણે છેલ્લા એક વર્ષથી પશ્ચિમ અમદાવાદમાં વાહન ચોરીને અંજામ આપ્યો છે.
સાણંદના ધર્મેશ રાણાની પૂછપરછ બાદ અન્ય છ આરોપીઓ પણ પકડાયા હતા. જેઓની ઓળખ બહાદુર (રહે.બાવળા), સતીષ બાલાભાઈ સેનમા (રહે.બાવળા), બાબુ મનુભાઈ કબીરા (રહે.બાવળા), સોહિલ અયુબખાન પઠાણ (રહે.બાવળા), અમૃતભાઈ ક્માભાઈ પરમાર (રહે.બાવળા), ઈબ્રાહીમ ઉસ્માનભાઈ ઘાંચી (રહે.સરખેજ) તરીકે થઈ છે. તેઓની પૂછપરછમાં અમદાવાદના વિવિધ ચાર પોલીસ સ્ટેશનના ૨૮ કેસો ઉકેલાયા છે.
જેમાં ગાયકવાડ હવેલીમાંથી ૧ વાહન, સરખેજમાંથી ૩ વાહન, સોલામાંથી ૫ વાહનો, આનંદનગરમાંથી ૨ વાહન, ચાંદખેડામાંથી ૨ વાહન, એલીસબ્રીજમાંથી ૧ વાહન, યુનિવર્સીટીમાંથી ૨ વાહન, વસ્ત્રાપુરમાંથી ૨ વાહન, સેટેલાઈટમાંથી ૧ વાહન, નારણપુરામાંથી ૧ વાહન, સાબરમતી રેલવેમાંથી ૩ વાહન, ગાંધીનગર ઇન્ફોસીટીમાંથી ૧ વાહન અને અમદાવાદ ગ્રામ્યમાંથી ચોરાયેલા ૪ વાહન મળીને કુલ ૨૮ વાહનોને જપ્ત કર્યા છે.