Last Updated on by Sampurna Samachar
એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્દોર પોલીસે ભારતના સૌથી સ્વચ્છ શહેરમાં એક ભિખારીને ભિક્ષા આપવા બદલ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મધ્યપ્રદેશમાં કદાચ આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. ખંડવા રોડ પર એક મંદિરની સામે બેઠેલી એક મહિલા ભિખારીને ભિક્ષા આપવા બદલ ભારતીય ન્યાયિક સંહિતાની કલમ ૨૨૩ (જાહેર સેવક દ્વારા જારી કરાયેલ આદેશનો અનાદર) હેઠળ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ભંવરકુઆં પોલીસ સ્ટેશને ભિખારી નાબૂદી ટીમના અધિકારીની ફરિયાદ પર અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. IPC કલમ ૨૨૩ હેઠળ, ગુનેગારને એક વર્ષ સુધીની જેલ અથવા ૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્દોરને દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવતા વહીવટીતંત્રે ભિખારીઓ પાસેથી ભિક્ષા લેવા, તેમને ભિક્ષા આપવા અને તેમની પાસેથી કોઈપણ સામાન ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.
તેમણે કહ્યું કે આ પ્રતિબંધના ઉલ્લંઘનના કિસ્સામાં ફરિયાદ નોંધવાની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે પ્રશાસને ભિખારીઓ વિશે માહિતી આપનારને ૧૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી છે અને અત્યાર સુધીમાં ઘણા લોકોને માહિતી આપવા બદલ આ રકમ મળી છે. તમને જણાવી દઈએ કે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે દેશના ૧૦ શહેરોને ભિખારી મુક્ત બનાવવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં ઈન્દોર પણ સામેલ છે.