Last Updated on by Sampurna Samachar
આ યોજનાનો લાભ ન મળવા પાછળ જવાબદાર કોણ ?
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં મમતા કાર્ડ યોજનામાં કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. લાભાર્થી મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ૫ વર્ષ વીતી ગયા હોવા છતાં તેમને હજુ સુધી આ યોજનાનો લાભ મળ્યો નથી.
મમતા કાર્ડ યોજના હેઠળ સગર્ભા મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જેના માટે તેમની તમામ વિગતો એકત્ર કરવામાં આવે છે. પરંતુ ખોડામલી ગામની મહિલાઓએ જણાવ્યું કે તેઓએ ૫ વર્ષ પહેલાં મમતા કાર્ડ માટે અરજી કરી હતી, પરંતુ આજ દિવસ સુધી તેમને કોઈ સહાય મળી નથી.
હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ માટે કોણ જવાબદાર છે ? શું આ આશાવર્કર કે હેલ્થ વર્કરની બેદરકારી છે, કે પછી બીજું કોઈ કારણ છે ? ગ્રામજનોએ આ મામલે તપાસની માંગ કરી છે. તેઓનું કહેવું છે કે સગર્ભા મહિલાઓ માટેની આ મહત્વની યોજનામાં આવી બેદરકારી કેમ થઈ રહી છે ?
બેંક ખાતા અને આધાર કાર્ડની માહિતી ન ભરવાના આક્ષેપ, કેટલીક મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેઓના બેંક ખાતા અને આધાર કાર્ડની માહિતી પણ યોગ્ય રીતે ભરવામાં આવી નથી. જેના કારણે તેમને યોજનાનો લાભ મળવામાં મુશ્કેલી થઈ રહી છે. ગ્રામજનોએ આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસની માંગ કરી છે, જેથી સાચી હકીકત સામે આવી શકે અને ભોગ બનનાર મહિલાઓને ન્યાય મળી શકે.