રશિયન સાથે એક ઈન્ડિયન યુવતી મળી આવી
મુંબઈ પોલીસે ૭ થી ૮ દલાલો સામે કેસ નોંધી શોધખોળ હાથ ધરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના થાણેમાં પોલીસને એક સેક્સ રેકેટ ગેંગનો ભાંડો ફોડ્યો હતો. પોલીસે જણાવ્યું કે વાગલે એસ્ટેટ પાસે ઘણા સમયથી આ ગોરખધંધો ચલાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ફ્યુઝન ઢાબા પાસે એક વિસ્તાર છે. શંકાસ્પદ લોકોના આવવા-જવાને કારણે પોલીસને શક ગયો હતો. આ પછી ગુપ્ત સૂચના મળ્યા પછી આ જગ્યા પર રેડ મારવામાં આવી હતી. ત્યાંથી ૩ રશિયન સાથે એક ઈન્ડિયન યુવતીને બચાવવામાં આવી હતી. પોલીસ ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મળતી જાણકારી પ્રમાણે પોલીસને માહિતી મળી હતી કે વાગલે એસ્ટેટ વિસ્તારમાં રોડ નંબર ૧૬ પર ફ્યુઝન ઢાબા પાસે જુહુના કેટલાક દલાલો દ્વારા સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું. આરોપી દલાલ કેટલીક રશિયન અને ભારતીય મહિલાઓના ફોટો મોકલીને દેહ વેપાર કરતા હતા. આ વાતની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે વાગલે એસ્ટેટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ સમય દરમિયાન પોલીસને સ્થળ પર ત્રણ રશિયન અને એક ભારતીય મહિલા મળી.
પોલીસે આ ચાર યુવતીઓને બચાવી લીધી છે. મુંબઈ પોલીસે ૭ થી ૮ દલાલો સામે કેસ નોંધ્યો છે. આરોપી ગ્રાહકોને શોધતો હતો, ગ્રાહકોને રશિયન અને ભારતીય યુવતીઓના ફોટા મોકલતો હતો અને તેમનું સેક્સ રેકેટ ચલાવતો હતો. પોલીસ આ તમામ આરોપીઓને શોધી રહી છે. પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરશે. અન્ય એક ઘટનામાં પોલીસે થાણેના કાસરવડાવલી વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારનો પણ પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં બે યુવતીઓને બચાવી છે. થાણે પોલીસ દળના માનવ તસ્કરી વિરોધી વિભાગની ચેતના ચૌધરીને કાસરવડાવલી ગામમાં વેશ્યાવૃત્તિની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે નકલી ગ્રાહકો મોકલીને કેસનો પર્દાફાશ કર્યો હતો. દેહવ્યાપારમાં સંડોવાયેલી બે મહિલાઓને બચાવી લેવામાં આવી છે. આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.