Last Updated on by Sampurna Samachar
ડૉક્ટરે સોનોગ્રાફીની ઝીણવટતાથી તપાસ કરી તો તે ગોથે ચડી ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાની સોનોગ્રાફીની ચર્ચાથી ગામ ચકડોળે ચડ્યું છે. ડૉક્ટરે સોનોગ્રાફીની ઝીણવટતાથી તપાસ કરી તો તે પણ ચોંકી ગયા. કારણ કે, ગર્ભવતીના પેટમાં તો બાળક દેખાતું હતું પરંતુ, આ બાળકના પેટમાં પણ એક બાળક દેખાતું હતું.

હકીકતમાં, બે મહિના પહેલાં મોતાલા તાલુકાની એક ગામની ૩૨ વર્ષીય ૯ મહિનાની ગર્ભવતી મહિલા હોસ્પિટલ પહોંચી. ડૉક્ટર પ્રસાદ અગ્રવાલે ગર્ભવતીની સોનોગ્રાફી કરી. સોનોગ્રાફી કરતાં સમયે તેઓએ મહિલાના પેટમાં તો બાળક જોયું, સાથે જ તેઓને બાળકના પેટમાં પણ કંઈક દેખાયું. ડૉક્ટર અગ્રવાલે અન્ય ત્રણ વખત મહિલાની સોનોગ્રાફી કરી તો જોયું કે, પેટમાં જે બાળક છે તેના પેટમાં પણ બાળક છે.
ડૉક્ટર અગ્રવાલે આ વાત પોતાના સિનિયર્સને જણાવ્યું. સિનિયર તબીબોએ ગર્ભવતી મહિલાને ડિલવરી અને અન્ય કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય, તેના માટે સંભાજીનગર મોકલવામાં આવી છે. મહિલા રોગ નિષ્ણાંત ડૉ. પ્રસાદ અગ્રવાલને પૂછવામાં આવ્યું કે, મહિલા અને પેટમાં રહેલાં બાળકને કોઈ નુકસાનની સંભવના છે? તેનો જવાબ આપતાં ડૉક્ટરે કહ્યું કે, મહિલાને તો કોઈ તકલીફ નહીં થાય. પરંતુ, ડિલિવરી બાદ જન્મેલા બાળકની જલ્દી સારવાર ન થઈ તો તેના ગ્રોથમાં તકલીફ પડી શકે છે.
સિવિલ સર્જન ડૉ. ભાગવત ભુસારીએ જણાવ્યું કે, આ પરિસ્થિતિને તબીબી ભાષામાં FETUS IN FETO (ભ્રૂણમાં ભ્રૂણ) કહેવામાં આવે છે. દુનિયામાં આવા લગભગ ૨૦૦ જેટલાં કેસ સામે આવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં ૧૫ થી ૨૦ આવા કેસ સામે આવ્યા છે.