આ બંને કાકા – ભત્રીજા ભેગા થઇ જાય તેવી ભાજપની પણ ઈચ્છા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચૂંટણી બાદ શરૂ થયેલાં મહારાષ્ટ્રના રાજકીય નાટકે હવે નવો વળાંક લીધો છે. શરદ પવાર અને અજિત પવાર ફરી હાથ મિલાવી લેશે અને શરદ પવારની NCP માંથી ચૂંટાયેલા આઠ સાંસદો NDA માં સામેલ થવાની અટકળોથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, શરદ પવાર પોતાની દીકરી સુપ્રિયા સૂલેને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળે તે માટે લોબિંગ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં શરદ પવાર જૂથને ફતેહ મળી હતી પરંતુ, વિધાનસભામાં તેમનો રકાસ થયો હતો. વિધાનસભામાં શરદ પવારની NCP ને માત્ર ૧૦ જ બેઠક મળતાં પક્ષનાં રાજકીય ભાવિ સામે પ્રશ્ન ઊભો થયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વિધાનસભા પરિણામો બાદ શરદ પવારની NCP ના સાંસદો અને ધારાસભ્યોએ પવારને અજિત પવાર સાથે હાથ મિલાવી લેવા અને NDA માં જોડાઈ જવા માટે દબાણ વધાર્યું છે.
સાંસદો અને ધારાસભ્યો આ મુદ્દે પણ શરદ પવાર પર દબાણ વધારી રહ્યા છે કે, અજિત પવારની NCPને જ ચૂંટણી પંચે અસલી NCP તરીકે માન્ય રાખી ચૂક્યું છે અને તેને ઘડિયાળનું મૂળ પ્રતિક ફાળવ્યું છે. ત્યારબાદ વિધાનસભામાં પણ અજિત પવાર જૂથને ૪૧ બેઠક મળી છે.
આ સંજોગોમાં શરદ પવારની અલગ NCP નાં અસ્તિત્વ સામે સંકટ સર્જાયું છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલાં જ અજિત પવારની માતાએ શરદ પવાર તથા અજિત પવાર ફરી એક થઈ જાય તેવી ઈચ્છા પ્રગટ કરી હતી. તે વખતે પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓએ આ ઈચ્છાનો પડઘો પાડીને એમ કહ્યું હતું કે, શરદ પવાર અમારા માટે ઈશ્વર સમાન છે. ત્યારબાદ થોડા દિવસો પહેલાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના મુખપત્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરવામાં આવી ત્યારે સુપ્રિયા સૂલેએ પણ તેને અનુમોદન આપ્યું હતું. અગાઉ અજિત પવારે એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે, ૨૦૧૯માં શરદ પવારે ભાજપ સાથે જાેડાવાની તમામ તૈયારી કરી લીધી હતી પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ફેરવી તોળ્યું હતું.
રાજકીય ચર્ચાઓ અનુસાર, શરદ પવાર અને અજિત પવાર બંને હાથ મિલાવી લે અને શરદ પવારની એનસીપી પણ મહાયુતિમાં સામેલ થઈ જાય તેવા પ્રયાસો ભાજપને પણ મંજૂર છે. હકીકતમાં ભાજપ મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે પરનું અવલંબન ઘટાડવા માગે છે. બીજી બાજુ રાષ્ટ્રીય સ્તરે તે નીતિશ કુમાર અંકુશમાં રહે તેમ ઈચ્છે છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના વખતે એકનાથ શિંદેએ જે પ્રકારે ત્રાગાં કર્યાં હતાં તેનાથી ભાજપના નેતાઓ નાખુશ છે અને તેઓ શિંદેને વધુ કદ મુજબ વેતરવા માગે છે.