Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં ૧૦૧ લોકો આ બીમારીથી પીડિત હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રમાં એક રહસ્યમય બિમારીથી હાહાકાર મચાવી દીધો છે. મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર આ ગુલિયન બેરે સિન્ડ્રોમના કારણે પુણેમાં પહેલું મોત નોંધાયું છે. ૨૮ અન્ય લોકોને સંક્રમણ થયું છે અને ત્યારબાદ અત્યાર સુધીમાં ૧૦૧ લોકો આ બીમારીથી પીડિત છે. સ્ટેફી થેવરના રિપોર્ટના દૈનિક બુલેટિનમાં કહેવાયું છે કે સંદિગ્ધ GBS મોત સોલાપુરમાં થયું છે. પરંતુ વિસ્તૃત જાણકારી આપવામાં આવી નથી. આ દુર્લભ બીમારીથી પીડત ૧૬ દર્દીઓ હાલ વેન્ટિલેટર સપોર્ટ પર છે. લક્ષણોવાળા લગભગ ૧૯ લોકો નવ વર્ષથી ઓછી ઉંમરના છે. જ્યારે ૫૦-૮૦ વર્ગના ૨૩ કેસ છે.

મળતા રિપોર્ટ મુજબ ૯ જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાં દાખલ એક દર્દીને પુણે ક્લસ્ટરની અંદર પહેલો GBS કેસ હોવાની શંકા જાગી હતી. પરીક્ષણોથી હોસ્પિટલમાં દાખલ દર્દીમાંથી લેવાયેલા કેટલાક જૈવિક નમૂનાઓમાં કેમ્પિલોબેક્ટર જેજુની બેક્ટેરિયા હોવાની જાણકારી મળી છે. સી જેજુની દુનિયાભરમાં GBS ના લગભગ એક તૃતિયાંશ કેસોનું કારણ બને છે અને સૌથી ગંભીર સંક્રમણો માટે પણ જવાબદાર છે.
અધિકારીઓ પુણેના પાણીના નમૂના લઈ રહ્યા છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં સૌથી વધુ મામલા સામે આવી રહ્યા છે. પરીક્ષણોના પરિણામોથી જાણવા મળ્યું છે કે પુણેના મુખ્ય જળાશય ખડકવાસલા બંધ પાસે એક કૂવામાં બેક્ટેરિયા ઈ.કોલીનું ઉચ્ચ સ્તર હતું. પરંતુ અધિકારીઓએ કહ્યું કે એવું સ્પષ્ટ નથી કે કૂવાનો ઉપયોગ થઈ રહ્યો હતો કે નહીં. રહીશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાણીને ઉકાળે અને ખાતા પહેલા પોતાના ભોજનને ગરમ કરે.
સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યાં મુજબ નિગરાણી અભ્યાસ હેઠળ રવિવાર સુધી ૨૫,૫૭૮ ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. જેનો હેતુ સમુદાયની અંદર વધુ રોગીઓને શોધવા અને જીબીએસના કેસોમાં વધારાનું કારણ જાણવાનું હતું જે પહેલા મહિનામાં બે કે તેનાથી વધુ નહતા. જીબીએસની સારવાર ખુબ મોંઘી છે, દરેક ઈન્જેક્શનની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા છે.
GBS ત્યારે થાય છે જ્યારે શરીરની ઈમ્યુનિટી સિસ્ટમ, જીવાણુ કે વાયરલ સંક્રમણ પર પ્રતિક્રિયા કરતી વખતે ભૂલથી એવી નસો પર હુમલો કરે છે જે માથાના સંકેતોને શરીરના કેટલાક ભાગો સુધી લઈ જાય છે. જેનાથી નબળાઈ, લકવો કે અન્ય લક્ષણો હોય છે.
ડોક્ટરોએ કહ્યું કે ૮૦ ટકા પ્રભાવિત દર્દીઓ હોસ્પિટલમાંથી રજા મળ્યાના છ મહિનાની અંદર મદદ વગર ચાલવાની ક્ષમતા મેળવી લે છે પરંતુ કેટલાકને પોતાના અંગોનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં એક વર્ષ કે તેનાથી વધુ સમય લાગી શકે છે. GBS ની સારવાર પણ ખુબ મોંઘી છે. દર્દીઓને સામાન્ય રીતે ઈમ્યુનોગ્લોબુલિન ઈન્જેક્શનના એક કોર્સની જરૂર પડશે.
આ બીમારીથી પીડિત એક દર્દીના પરિવારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે તેમના ૬૮ વર્ષના એક સંબંધીને ૧૬ જાન્યુઆરીના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ૧૩ ઈન્જેક્શનના IVIG કોર્સની જરૂર હતી. જેમાં દરેક શોટની કિંમત લગભગ ૨૦,૦૦૦ રૂપિયા હતી.
બીજી તરફ ગુલિયન બેરે સિન્ડ્રોમ પર વાતચીતમાં પુણે મ્યુનિસિપલ કમિશનર ડો. રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે હાલમાં પુણે નગર નિગમ ક્ષેત્રમાં લગભગ ૬૪ દર્દી છે. જેમાંથી ૧૩ વેન્ટિલેટર પર છે. ૫ દર્દીઓ ઠીક થયા બાદ રજા આપી દેવાઈ છે. અમે GBS થી પ્રભાવિત દર્દીઓની મફત સારવાર કરીશું. જે લોકો ગરીબ છે અને સારવારનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેમના માટે અમારી પાસે એક યોજના છે.