ભાજપ પર ચૂંટણીમાં EVM માં ગોઠવણ કરાયાનો લગાવ્યો આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા બ્લોકે ચૂંટણી પંચ અને ભાજપ પર ચૂંટણીમાં ધાંધલીનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટમાં જવાનો ર્નિણય કર્યો છે. શરદ પવાર જૂથના નેતા પ્રશાંત જગતાપે આ અંગે માહિતી આપી હતી. NCP (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવાર, અરવિંદ કેજરીવાલ અને જાણીતા વકીલ અને કોંગ્રેસ નેતા અભિષેક સિંઘવી વચ્ચેની બેઠક બાદ આ ર્નિણયની જાહેરાત કરવામાં આવી હતી.
વિપક્ષી ગઠબંધનનો આરોપ છે કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધનની તરફેણમાં EVM માં ખામી સર્જાઈ હતી જેના કારણે તેની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. આ ઉપરાંત બેઠક દરમિયાન, કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદી અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદ પવાર)ના શહેર પ્રમુખ પ્રશાંત જગતાપે મીડિયાને કહ્યું કે, ‘અમે ભાજપની જીત માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી ધાંધલી સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરીશું. અમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે અને અમને આશા છે કે સુપ્રીમ કોર્ટ અમારી તરફેણમાં અને કૌભાંડની વિરુદ્ધમાં ચુકાદો આપશે.’
અગાઉ, ચૂંટણી પંચે કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતો અને VPAT સ્લિપમાં કોઈ ગેરરીતિ જોવા મળી નથી. દરેક વિધાનસભા મતવિસ્તારમાં અવ્યવસ્થિત રીતે પસંદ કરાયેલ મતદાન મથકોમાંથી VVPAT સ્લિપની ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.’
જણાવી દઈએ કે વિપક્ષ ઇન્ડિયા બ્લોક અને NDA વચ્ચે EVM વિવાદિત મુદ્દો રહ્યો છે. વિપક્ષે અનેકવાર ભાજપ પર ઇચ્છિત પરિણામો મેળવવા માટે ચૂંટણીમાં ધાંધલી કરવાનો આરોપ લગાવ્યો છે. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઇન્ડિયા બ્લોક અસંતુષ્ટ છે. હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ભાજપે બમ્પર ૪૮ બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર ૩૭ બેઠકો મળી હતી.