Last Updated on by Sampurna Samachar
સમગ્ર રાજસ્થાનમાં શોકની લહેર પ્રસરી જવા પામી
અરવિંદસિંહ મેવાડના મૃત્યુથી રાજવંશમાં મોટી ખોટ વર્તાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાણા પ્રતાપના વંશજ અને ઉદયપુરના પૂર્વ રાજવી પરિવારના વંશજ અરવિંદ સિંહ મેવાડનું બિમારીને કારણે અવસાન થયાના દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. ૮૦ વર્ષના અરવિંદ મેવાડ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેઓ સિટી પેલેસના શંભુ નિવાસમાં રહેતા હતા. અહીં તેમની બિમારીની સારવાર પણ ચાલી રહી હતી. અરવિંદ સિંહના નિધનથી મેવાડ (MEWAR) સહિત સમગ્ર રાજસ્થાનમાં શોકની લહેર પ્રસરી જવા પામી છે.

અરવિંદ સિંહ મેવાડ એ, ભગવત સિંહ મેવાડ અને સુશીલા કુમારી મેવાડના નાના પુત્ર હતા. તેમના મોટા ભાઈ મહેન્દ્ર સિંહ મેવાડનું ગયા વર્ષે ૧૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ અવસાન થયું હતું. મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહે, અજમેરની મેયો કોલેજમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું. આ પછી તેણે ઉદયપુરની મહારાણા ભૂપાલ કોલેજમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. તેમણે યુકેની સેન્ટ આલ્બન્સ મેટ્રોપોલિટન કોલેજમાંથી હોટેલ મેનેજમેન્ટની ડિગ્રી પણ લીધી.
મેવાડ રાજવંશના ૭૬મા વડીલ વ્યક્તિ હતા
અરવિંદ સિંહે થોડો સમય અમેરિકામાં પણ કામ કર્યું અને પછી તેઓ ગ્રુપ ઓફ હોટેલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. આ ઉપરાંત તેઓ મહારાણા મેવાડ ફાઉન્ડેશન ટ્રસ્ટ, મહારાણા મેવાડ ઐતિહાસિક પ્રકાશ ટ્રસ્ટ, રાજમાતા ગુલાબ કુંવર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હતા. તેઓ મેવાડ રાજવંશના ૭૬મા વડીલ વ્યક્તિ હતા. અરવિંદના મૃત્યુના સમાચાર મેવાડ રાજવંશ માટે મોટી ખોટ સમાન છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઉદયપુર અને મેવાડના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.