Last Updated on by Sampurna Samachar
કેમ્પસમાંથી નશીલા પદાર્થોનો જથ્થો અને દારૂની ખાલી બોટલો મળી
પોલીસ અને યુનિવર્સિટી કેવા કડક પગલાં ભરે તે જોવુ રહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિદ્યાના ધામ ગણાતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાંથી નશીલા પદાર્થોનો જથ્થો અને દારૂની ખાલી બોટલો મળી આવતા શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભાવનગર NSUI દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન કેમ્પસના વિવિધ ભાગોમાંથી નશાબંધીના ધજાગરા ઉડાવતી ચીજવસ્તુઓ મળી આવી છે.

મળતી માહિતી મુજબ, નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાના કાર્યકરોએ ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાં અચાનક તપાસ હાથ ધરી ત્યારે, પાર્કિંગમાં પડેલી એક શંકાસ્પદ બાઈકમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે ઘટનાથી આખા શિક્ષણના ધામમાં નશાનો વેપલો ચાલતો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળ્યા હતા.
ઢગલાબંધ ખાલી બોટલો અને ‘ગોગો પેપર‘ના બોક્સ મળ્યા
બાદમાં યુનિવર્સિટી કેમ્પસના ર્નિજન ખૂણાઓ અને અવાવરુ જગ્યાએ તપાસતા ત્યાંથી વિદેશી દારૂની ઢગલાબંધ ખાલી બોટલો અને નશા માટે વપરાતા ‘ગોગો પેપર‘ના બોક્સ પણ મળી આવ્યા હતા. ત્યારે જે જગ્યાએ વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ મેળવવા આવે છે, ત્યાંથી આ પ્રકારે નશીલા પદાર્થો મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આ ગંભીર ઘટનાની જાણ થતા જ NSUI ના કાર્યકર્તાઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારે પોલીસ તંત્રની કામગીરી પર NSUI ના કાર્યકર્તાઓએ ભારે રોષ ઠાલવ્યો હતો.ઘટનાસ્થળે દોડી આવેલા પોલીસ કર્મીઓને NSUI ના કાર્યકર્તાઓએ ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું. NSUI ના કાર્યકર્તાઓએ પોલીસકર્મીઓને ભાવનગર યુનિવર્સિટીના કેમ્પસમાંથી મળી આવેલા નશાના સબૂત એટલે કે વિદેશી દારૂની ઢગલાબંધ ખાલી બોટલો તથા નશા માટે વપરાતા ‘ગોગો પેપ’સહિત બાઈક પર મળી આવેલો ગાંજાનો જથ્થો બતાવ્યો હતો. દરમિયાન ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા.
હાલની માહિતી મુજબ, પોલીસે આ તમામ નશીલા પદાર્થો તેમજ પુરાવાઓ એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા યુનિવર્સિટીના સત્તાધીશોને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે અને કેમ્પસમાં નશાબંધીના નિયમોના ઉલ્લંઘન બદલ ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.વધુમાં, સમગ્ર મામલે કોંગ્રેસ અને NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં અસામાજિક તત્વોનો જમાવડો વધી રહ્યો છે અને સત્તાધીશોની બેદરકારીને કારણે કેમ્પસ નશાખોરીનો અડ્ડો બની રહ્યું છે. વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ આ ઘટનાને લઈને ચિંતાની લાગણી પ્રસરી છે. હવે જાેવાનું એ રહેશે કે પોલીસ અને યુનિવર્સિટી તંત્ર આ મામલે કેવા કડક પગલાં ભરે છે.