વિઝા એક્સ્પાયર થવા છતા ૧૫ દિવસથી મેળાના સેક્ટર નંબર ૧૫માં રોકાયેલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભમાં આતંકવાદી હુમલાની ધમકી આપનાર ઈન્સ્ટાગ્રામ અને ‘X’ યુઝર સામે પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. આ દરમિયાન સર્ચ ઓપરેશનમાં એક રશિયન નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમના વિઝાની મુદત પૂરી થઈ ગઈ છે. હાલ પૂછપરછ બાદ પોલીસે તેને દિલ્હીના ઈમિગ્રેશન બ્યુરોને સોંપી દીધો છે.
મહાકુંભમાં આતંકવાદી હુમલાની ધમકીને લઈને પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. હાલ પોલીસની સાથે સાયબર સેલની ટીમ પણ તપાસ કરી રહી છે. બીજી તરફ આરોપી ઈન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટમાંથી મહાકુંભને લઈને ધમકી સાથે જોડાયેલી પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. આરોપીએ ધમકી આપી છે કે ૧૩ મી જાન્યુઆરીએ ધાર્મિક સભા દરમિયાન વિસ્ફોટમાં ઓછામાં ઓછા એક હજાર લોકો માર્યા જશે. આ ધમકી મળ્યા બાદ પોલીસ સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે અને મેળા વિસ્તારમાં વિવિધ સ્થળોએ પોલીસ ચેકિંગ ઝુંબેશ પણ ચાલી રહી છે. પોલીસ મેળા વિસ્તારમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરી રહી છે.
પોલીસે ઓપરેશન શરૂ કર્યું ત્યારે એક રશિયન નાગરિક પણ ઝડપાયો હતો. તેના વિઝાની મુદત પૂરી થઈ ગયા પછી પણ તે મેળામાં રોકાયો હતો. તેણે સેક્ટર નંબર ૧૫ સ્થિત ભક્ત શિબિરમાં આશ્રય લીધો હતો. પોલીસ દ્વારા પૂછપરછ બાદ હવે તેને દિલ્હીના ઈમિગ્રેશન બ્યુરોને સોંપવામાં આવ્યો છે. મેળામાં તેને શંકાસ્પદ જણાતાં પોલીસ કર્મચારીઓએ તેની પૂછપરછ કરતાં તે ગભરાવા લાગ્યો હતો.
તપાસ દરમિયાન રશિયન નાગરિકે પોતાનું નામ આન્દ્રે પોફકોફ હોવાનું જણાવ્યું હતું અને પોતાને રશિયાનો નાગરિક હોવાનું જાહેર કર્યું. દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું કે સપ્ટેમ્બર મહિનામાં જ વિઝાની મુદત પૂરી થઈ ગઈ હતી. તેઓ છેલ્લા ૧૫ દિવસથી મેળાના સેક્ટર નંબર ૧૫માં રોકાયા હતા.