મેળાની તૈયારી ૩૧ ડીસેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે મહાકુંભ મેળામાં આકાશથી માંડી નદીના ઊંડાણ સુધી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. સંસ્કૃતિ મંત્રાલયના જણાવ્યા અનુસાર પ્રથમ વખત પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ ક્ષેત્રમાં ૨૪ કલાક નજર રાખવા માટે ૧૦૦ મીટર સુધી ગોતાખોરી કરવામાં સક્ષમ અંડરવોટર ડ્રોન તહેનાત કરવામાં આવશે.
મંત્રાલયે જણાવ્યું કે, તીર્થયાત્રીઓ અને અન્ય મુલાકાતીઓની સુવિધા માટે ભારતની સંસ્કૃતિ અને વિવિધતા પ્રદર્શિત કરવા ૯૨ માર્ગોનું રિનોવેશન, ૩૦ બ્રિજ અને ૮૦૦ બહુભાષીય સંકેતો લગાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ઉત્તરપ્રદેશ સરકાર પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૨૫ નું ભવ્ય, સુરક્ષિત અને આધ્યાત્મિક રૂપે સમૃદ્ધ આયોજન કરવાની ખાતરી કરી રહી છે.
૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ૪૫ દિવસીય કુંભ મેળામાં વિશ્વભરમાંથી ૪૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. જેમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિક પરંપરાઓનું પ્રદર્શન કરશે. જેમાં પ્રથમ વખત નદીમાં ૧૦૦ મીટર ઊંડાઈએ પણ દેખરેખ રાખવા માટે પાણીની અંદર ડ્રોન મૂકવામાં આવશે. મેળામાં ૨૭૦૦ કેમેરા લગાવવામાં આવશે. ૫૬ સાયબર વોરિયરની એક ટીમ ઓનલાઈન જોખમો પર નજર રાખશે. તમામ પોલીસ સ્ટેશનોમાં સાયબર હેલ્પ ડેસ્ક સ્થાપિત કરવામાં આવશે. મહાકુંભ નગરના હજારો ટેન્ટ અને આશ્રય સ્થાનોની સાથે એક અસ્થાયી નગર ઉભુ કરવામાં આવશે. ૪૦૦ થી વધુ કામકાજ પૂર્ણ થઈ ચૂક્યા હતા. ૩૧ ડિસેમ્બરના અંત સુધી તમામ તૈયારીઓ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.