પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના જળગાંવ રેલવે સ્ટેશનની નજીક તાપ્તિ ગંગા એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ ટ્રેન મહાકુંભ મેળા માટે પ્રયાગરાજ જતી હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી અને તપાસ શરૂ કરી દીધી છે. જે અંગે એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપતાં જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઇજા થઇ નથી. ફક્ત બી૬ કોચની બારીનો કાચ તૂટી ગયો.
જળગાંવ રેલવે પોલીસના અધિકારીએ ટ્રેન પર પથ્થરમારા અંગે વધુ જાણકારી આપતાં જણાવ્યું કે સુરતથી છપરા જતી તાપ્તિ ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં સવાર કેટલાક મુસાફરોએ પથ્થરમારાની જાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા આપી. અધિકારીએ જણાવ્યું કે મહાકુંભ મેળા માટે પ્રયાગરાજ જતા મુસાફરોના જણાવ્યાં મુજબ જળગાંવ સ્ટેશનથી રવાના થયાના ૩-૪ કિમી બાદ ટ્રેન પર પથ્થર ફેંકાયા. તેમણે કહ્યું કે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ હતી. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માટે ભારતીય રેલવેની તૈયારીઓ વધારવા માટે પ્રમુખ પહેલોની શરૂઆત કરી. જેનો હેતુ આગામી ૪૫ દિવસ થનારા આ વિશાળ સમાગમમાં સામેલ થનારા લાખો તીર્થયાત્રીઓ માટે સુરક્ષિત, અને ટેક્નિકલ સારી સેવાઓ પ્રદાન કરવાનો છે. રેલવે બોર્ડ તરફથી બહાર પાડેલી પ્રેસ વિજ્ઞપ્તિ મુજબ આ પહેલોમાં ૨૪ કલાક કુંભ વોરરૂમ, તમામ નજીકના સ્ટેશનો પર સીસીટીવી કેમેરા, બહુભાષી સંચાર સિસ્ટમ, વધારાના ટિકિટ કાઉન્ટર વગેરે સામેલ છે.
પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન દેશ દુનિયાના કરોડો લોકો મહાકુંભમાં સ્નાન કરશે. બ્રહ્મમુહૂર્તથી શ્રદ્ધાળુઓએ ત્રિવેણીની પાવન જળધારામાં આસ્થાની ડુબકી લગાવવાની શરૂઆત કરી. સવારે ૫.૨૭ વાગે બ્રહ્મમુહૂર્તથી શ્રદ્દાળુઓ સંગમ તટ પર સ્નાન ચાલુ થયા. દિવસભર સંગટ તટના અલગ અલગ ઘાટો પર શ્રદ્ધાળુઓ સ્નાન કરશે. ઘાટોની સુરક્ષા માટે જળ પોલીસ અને એનડીઆરએફની તૈનાતી કરાઈ છે. સ્નાન ઘાટો પર ગંગા અને જમુનાની જળધારામાં ડીપ વોટર બેરિકેડિંગ પણ કરાઈ છે. ગંગા અને યમુનાના તટ પર કુલ ૧૨ કિલોમીટરમાં સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે. પોષ પુર્ણિમા સ્નાન પર્વથી જ મહાકુંભમાં પવિત્ર કલ્પવાસની શરૂઆત થશે. ૧૪ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પર તમામ ૧૩ અખાડાના સંત સ્નાન કરશે.