શિવાલય પાર્કમાં દૈનિક ૫૦,૦૦૦ મુલાકાતીઓ આવી શકે તેવી ક્ષમતા
૪૦૦ ટન ભંગારમાંથી તૈયાર કરવામાં આવ્યો છે આ પાર્ક
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમે ક્યારેય સાંભળ્યું છે કે ભંગારમાંથી એક અદભૂત તીર્થ સ્થળ તૈયાર કરી શકાય? ઉત્તર પ્રદેશની સંગમ નગરી પ્રયાગરાજના મહાકુંભ નગર ક્ષેત્રમાં શિવાલય પાર્ક તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. આ પાર્ક માત્ર એક દર્શનીય સ્થળ નથી. આ પાર્ક અધ્યાત્મનો મોટો ભંડાર છે. અહીંયા તમે ભગવાન શિવ અને તેમના મંદિર વિશે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો.
વાત કરીએ તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ૧૩ મી જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. મહાકુંભની ભવ્યતા અને આધ્યાત્મિકતાને નવી ઉંચાઈ આપવા માટે પ્રયાગરાજના નૈની અરેલ ઘાટ પર શિવાલય પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
હવે આ શિવાલય પાર્કમાં વિશેષતા એ છે કે ૪૦૦ ટન ભંગારમાંથી તૈયાર કરવામાં આવ્યો છે આ પાર્ક. જેમાં કટાઈ ગયેલા વીજળીના થાંભલા, જૂની ટ્રક, કાર, પાઈપ, રિક્ષા, રેલવેના તૂટેલા પાટા અને અન્ય ભંગારનો ઉપયોગ કરાયો છે. તેની પાછળ ૧૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
શિવાલય પાર્ક ૧૧ એકરમાં ફેલાયેલો છે. ૨૨ કલાકારો અને ૫૦૦ શ્રમિકોએ ૩ મહિનાની મહેનત બાદ તેને તૈયાર કર્યો છે. પાર્કને વેસ્ટ એન્ડ વંડર થીમ અંતર્ગત તૈયાર કરાયો છે. બાળકો માટે અલગ ઝોન, તુલસી વન અને સંજીવની વન તૈયાર કરાયું છે. આ સિવાય ફૂડ કોર્ટ, રેસ્ટોરાં અને ૫૦૦ મીટર લાંબુ જળાળય બનાવ્યું છે. મુલાકાતીઓ માટે ૭૦૦ સ્ક્વેર મીટર લાંબુ પાર્કિંગ પણ બનાવાયું છે.
શિવાલય પાર્કમાં તમને તમામ ૧૨ જ્યોતિર્લિંગ તેમના વાસ્તવિક રૂપમાં જાેવા મળશે. એટલે મહાકુંભમાં જે પણ શ્રદ્ધાળુ આવશે તે એક જ જગ્યાએ તમામ જ્યોતિર્લિંગની યાત્રાનો અનુભવ કરી શકશે. ભારતના નકશાના આકારમાં બનાવેલા શિવાલય પાર્કમાં દૈનિક ૫૦,૦૦૦ મુલાકાતીઓ આવી શકે તેવી ક્ષમતા છે. તેના માધ્યમથી શ્રદ્ધાળુઓ ભારતના મુખ્ય તીર્થો વિશે જાણકારી મેળવી શકશે એટલે આ પાર્ક મહાકુંભમાં આવનારા કરોડો શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક જ્ઞાનની અનુભૂતિ કરાવશે.