Last Updated on by Sampurna Samachar
સદનસીબે બે દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભમાં દેશ – વિદેશમાંથી લોકો આવી ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં લોકોની ભીડ વચ્ચે બે મોટી દુર્ઘટના સર્જાઇ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે સદનસીબે બંને દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહતી.

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં ફરીથી આગ લાગવાની ઘટના બની હતી. મેળામાં સેક્ટર ૨ પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગી હતી. જોકે ફાયર બ્રિગેડ વિભાગે તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લીધો છે, સદનસીબે મોટો અકસ્માત થતાં થતાં બચી ગયો હતો. આ ઘટનામાં એક ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ છે, જ્યારે બીજી ગાડી અડધી બળી ગઇ છે.
આ દુર્ઘટના વિશે ફાયર બ્રિગેડના અધિકારી વિશાલ યાદવે જણાવ્યું હતું કે અમારી પાસે અનુરાગ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે પાર્કિંગમાં ઉભેલી કારને આગ લાગી છે. જેના લીધે બાજુમાં પાર્ક કરેલી બીજી ગાડી પણ અડધી સળગી ગઇ હતી.
બીજી દુર્ઘટનામાં કિલા ઘાટ પર યમુના નદીમાં એક બોટ પલટી ખાઇ ગઇ હતી. બોટમાં સવાર ૧૦ લોકો ડૂબવા લાગતાં પોલીસે લાઇફ જેકેટ અને રિંગ્સ ફેંકીને તમામને બચાવી લીધા હતા. જ્યાં અકસ્માત સર્જાયો હતો ત્યાં યમુનાની ઉંડાઇ ૩૫ ફૂટ હતી.