Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૩૭ વર્ષથી રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરીને પૂજા કરે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજમાં ૧૨ વર્ષ પછી યોજાયેલો મહાકુંભ એટલે કે કુંભમેળો દુનિયાની વિરલ ઘટના બની રહયો છે. ધાર્મિક અને આધ્યાત્મિક ચેતના જગાડનારા કુંભમેળામાં કરોડો ભાવિકો સંગમ સ્નાનનો લાભ લઇ રહયા છે. નગ્ન સાધુઓ અને વિવિધ અખાડાઓએ ધૂણી ધખાવી છે ત્યારે પ્રયાગરાજની શિવનગરીમાં ૭ કરોડ અને ૫૧ લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવેલા ૧૨ જયોતિર્લિગ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મહાકુંભમાં સેકટર ૬ માં નિર્મિત પ્રત્યેક જયોતિર્લિંગ ૧૧ ફૂટ ઉંચુ, ૯ ફૂટ પહોળુ અને ૭ ફૂટ મોટું છે. ૭ કરોડ અને ૫૧ લાખ રુદ્વાક્ષની મણીઓની માળા ૧૦ હજાર ગામોમાં પગપાળા ફરીને દાનમાંથી મેળવવામાં આવી છે જેમાં એક મુખીથી માંડીને ૨૬ મુખી સુધીના રુદ્રાક્ષનો સમાવેશ થાય છે.
શ્વેત રુદ્રાક્ષ, કાળા રુદ્રાક્ષ અને લાલ રુદ્વાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૌની બાબાએ રુદ્રાક્ષના જયોતિર્લિગ અંગે સમાચાર માધ્યમોને જણાવ્યું હતું કે આતંકવાદના નાશ અને બાંગ્લાદેશી હિંદુઓની રક્ષાની કામના સાથે પૂજા અનુષ્ઠાન કરીને લોખંડમાંથી શિવલિંગનો આકાર આપીને તેના પર રુદ્વાક્ષની માળાઓ લપેટવામાં આવી છે.
ખૂબ વર્ષો પહેલા રુદ્વાક્ષમાંથી જયોતિર્લિગની સ્થાપનાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. છેલ્લા ૩૭ વર્ષથી રુદ્રાક્ષનું શિવલિંગ તૈયાર કરીને પૂજા કરુ છું. અનોખી શિવનગરીમાં છ શિવલિંગ દક્ષિણમુખી અને છ શિવલિંગ ઉત્તરમુખી છે. રુદ્રાક્ષ એક મુર્તિ સમાન હોય છે જેની પ્રાણ પ્રતિષ્ઠા થાય છે વગર પ્રતિષ્ઠાએ રુદ્રાક્ષ પહેરી શકાય નહી. ત્યાર પછી જ રુદ્વાક્ષ મનોકામના પૂર્ણ કરે છે.