Last Updated on by Sampurna Samachar
અકસ્માતમાં ૮ લોકોના મોત તો અનેક લોકો ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં એક માર્ગ અકસ્માતમાં ૮ લોકોના મોત થયા છે. આ અકસ્માત વારાણસી-ગાઝીપુર-ગોરખપુર ફોર-લેન પર થયો હતો. મહાકુંભથી પરત ફરી રહેલા ભક્તોને લઈ જતી પિકઅપ ગાડીનો એક્સલ અચાનક તૂટી ગયો. આ કારણે, પિકઅપમાં સવાર લોકો રસ્તા પર પડી ગયા, અને પાછળથી આવી રહેલા ઝડપી ગતિવાળા ટ્રકે તેમને કચડી નાખ્યા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસ્મી કલાન ગામમાં થયો હતો. પ્રયાગરાજમાં સ્નાન કરીને લોકો યુપી રજીસ્ટ્રેશન નંબર ધરાવતી પિકઅપ ગાડીમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. પિકઅપનો એક્સલ તૂટ્યા પછી, ૮ લોકો અચાનક રસ્તા પરથી પડી ગયા અને બધા ટ્રક દ્વારા કચડાઈ ગયા. નીચે પડી ગયેલા ભક્તોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ.
કહેવામાં આવી રહ્યું છે કે પિકઅપમાં કુલ ૨૦ લોકો સવાર હતા. જેમાંથી અત્યાર સુધીમાં ૮ લોકોના મોત નોંધાયા છે. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બધા ઘાયલો અને મૃતકોને ગાઝીપુર મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદથી આરોપી ટ્રક ડ્રાઈવર ફરાર છે. તેની શોધ ચાલુ છે.
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, વારાણસી-ગાઝીપુર-ગોરખપુર ફોરલેન રોડ ઉપર મહાકુંભથી પરત ફરી રહેલી એક પિકઅપ ટ્રકનું એક્સેલ તૂટી ગયું. જેના કારણે તેમાં બેઠેલા લોકો રસ્તા પર પડી ગયા હતા. એ સમયે જ ખૂબ જ ઝડપથી પાછળથી આવી રહેલી એક ટ્રકે આ લોકોને કચડી નાંખ્યા. આ દુર્ઘટનામાં ૮ લોકોના મોત થયા છે. જ્યારે ૬થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ હૃદયદ્રાવક ઘટના પર ગાઝીપુર જિલ્લા મેજિસ્ટ્રેટ આર્યકા અખૌરીનું નિવેદન પણ બહાર આવ્યું છે. તેમણે કહ્યું કે, બધા મુસાફરો ગોરખપુરના હતા. પિકઅપમાં ૨૪ મુસાફરો હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે. ૧૩ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. તે બધા કુંભ સ્નાન કરીને પ્રયાગરાજથી પરત ફરી રહ્યા હતા.
જિલ્લા મેજિસ્ટ્રેટે વધુમાં જણાવ્યું હતું કે, પિકઅપ ડ્રાઈવર સુરક્ષિત છે. ટ્રકે પાછળથી ટક્કર મારી. વાહને મુસાફરોને કચડી નાખ્યા. મૃતકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ટ્રક ચાલક ટ્રક લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવામાં આવશે. પોલીસ અને અધિકારીઓ અહીં હાજર છે.