Last Updated on by Sampurna Samachar
તમામ સામાન બળીને ખાખ થઈ ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આગ લાગવાની ઘટનાઓ સતત શરૂ છે. મહાકુંભ મેળામાં ફરી એકવાર આગ લાગવાની ઘટના કલ્પવાસી ટેન્ટમાં સામે આવી છે. સેક્ટર ૧૯ સ્થિત વટ માધવ માર્ગ દક્ષિણીમાં ઓમપ્રકાશ પાંડે સેવા સંસ્થાના કલ્પવાસી ટેન્ટમાં કર્મા પ્રયાગરાજ નિવાસી રાજેન્દ્ર જયસ્વાલ રોકાયા હતાં. વહેલી સવારે ટેન્ટની અંદર ગેસ સિલિન્ડર પર ભોજન બનાવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક ગેસ લિકેજના કારણે આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, આગની ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની તુરંત કાર્યવાહીના કારણે આગ વિકરાળ સ્વરૂપ લે તે પહેલાં જ તેના પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, જે ટેન્ટમાં આગ લાગી હતી, તેનો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે. સમગ્ર મામલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પણ મહાકુંભ મેળામાં સેક્ટર-૧૮ શંકરાચાર્ય માર્ગ પર ઈસ્કોનના કિચનમાં આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગમાં ૨૨થી વધુ ટેન્ટ બળીને ખાખ થયા હતા. ઘટનાસ્થળે તુરંત ફાયરબ્રિગેડ પહોંચી હતી. મહા મુશ્કેલી બાદ આગ પર કાબૂ મેળવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાની જાણવા મળ્યું છે.
આ શિબિરમાં સ્થિત મહારાજ કોટેજમાં એસી લગાવેલા હતા. એસીનું ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગી હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. અગાઉ ૩૦ જાન્યુઆરીએ પણ સેક્ટર-૨૨માં અનેક કોટેજમાં આગ લગા હતી. જેમાં ૧૫ કોટેજ બળીને ખાખ થયા હતાં. તદુપરાંત અગાઉ સેક્ટર-૨માં બે કારમાં આગ લાગતાં હડકંપ મચ્યો હતો. ૧૯ જાન્યુઆરીએ પણ સેક્ટર-૧૯માં શિબિરમાં મૂકેલા ઘાસચારામાં આગ લાગી હતી. જેમાં ૧૮ કોટેજ બળી ગયા હતા.