જો અહીં રાજકારણ કરવામાં આવશે, તો તેના સારા પરિણામ નહીં મળે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહાકુંભમાં સેક્ટર-૧૨માં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની શિબિરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.. હવે આ ઘટના મુદ્દે નવો વિવાદ ઉભો થયો છે. તેમના અનુયાયીઓ ઘટના પાછળ ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી હતી. આગની ઘટના બાદ શંકરાચાર્યએ પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે.
શંકરાચાર્યએ કહ્યું કે, ‘અમે આગ લાગવાની ઘટના અંગે શું કહીએ. શિબિરમાં આગ લાગી હતી. એક સ્થળે આગ પર કાબુ મેળવવાનું કામ ચાલી હતું અને આ દરમિયાન બીજા સ્થળે આગ લાગી ગઈ. આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ભગવાનની મહેરબાનીથી કોઈ જાનહાનિ થઈ નથી.’
શંકરાચાર્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહાકુંભની મુલાકાત અંગે કહ્યું કે, ‘આ એક ધાર્મિક સ્થળ છે અને અહીં ધર્મ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. જો અહીં રાજકારણ કરવામાં આવશે, તો તેના સારા પરિણામ નહીં મળે. વડાપ્રધાન આવ્યા, સ્નાન કર્યું, સારું કર્યું. વધુ અમારી પાસે કોઈ માહિતી નથી.’
આ પહેલા શંકરાચાર્યએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી હતી. વાસ્તવમાં મહાકુંભમાં મૌની અમાસના થયેલી ધક્કામુક્કીમાં ૩૦ શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને ૬૦થી વધુને ઈજા થઈ હોવાનો દાવો રાજ્ય સરકાર અને પોલીસે કર્યો હતો. જોકે આ ધક્કામુક્કીની જાનહાનીનો આંકડો વધુ હોવાના દાવા થયા. વ્યવસ્થાને લઇને સંતોમાં પણ નારાજગી જોવા મળી છે. બદ્રીનાથ જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ખુલીને આ મુદ્દે પોતાની વાત રાખી કહ્યું હતું કે, માત્ર એક જગ્યાએ નહીં પણ છ જગ્યાએ નાસભાગ થઈ છે. સરકારે ઘણી માહિતીને છુપાવીને ઠીક નથી કર્યું. શંકરાચાર્યએ યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી પદેથી રાજીનામાની માંગ કરી હતી.