મહાકુંભની તડામાર તૈયારીઓ શરુ
શ્રદ્ધાળુઓ માટે અહીંયા ૧૦૦ બેડની હોસ્પિટલ પણ તૈયાર કરાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પવિત્ર મહાકુંભ આપણી સંસ્કૃતિની મોટી ધરોહર છે અને ૨૦૨૫માં ૧૩ જાન્યુઆરીથી તે શરૂ થઈ રહ્યો છે. એવામાં મહાકુંભની તૈયારીઓ તડામાર રીતે કરવામાં આવી રહી છે. આ વખતે મહાકુંભમાં ૪૫ કરોડ લોકો આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેના પગલે તૈયારીઓની સાથે સાથે સુવિધા પણ વિશેષ છે.
મહાકુંભના મેળા માટે ઉત્તર પ્રદેશમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં આ વખતે તરતા ઘાટ બનાવવામાં આવ્યા છે. જેટીમાં નહાવા-કપડાં બદલવાની ખાસ સુવિધા હશે. તો શ્રદ્ધાળુઓ માટે અહીંયા ૧૦૦ બેડની હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. ૧૨ વર્ષ પછી થનારા મહાકુંભના મેળાની તમામ તૈયારીઓ પર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ખાસ નજર રાખી રહ્યા છે. ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી મહાકુંભમાં સ્નાનના ૪ મોટા દિવસ છે.
૪ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેશભરમાંથી આવશે. અયોધ્યાથી લઈને પ્રયાગરાજ સુધી એક રિંગ રેલની પણ વ્યવસ્થા છે. તેના માટે લગભગ ૪ રિંગ રેલની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રયાગરાજમાં કુંભ મેળા વખતે ૧૩,૦૦૦ સર્વિસ ચલાવવામાં આવશે. ૧૦૦૦ બેડવાળા હોસ્પિટલ પણ બનાવવામાં આવ્યા છે. આર્મીની ટીમે પણ ૨ હોસ્પિટલ તૈયાર કર્યા છે. યોગી આદિત્યનાથ સરકારે આદેશ કર્યો છે કે મહાકુંભના વિસ્તારમાં માંસ-મદીરા પાનની તમામ દુકાનોના શટર ડાઉન થઈ જશે. મેળા વિસ્તારમાં અત્યારથી જ સાધુ-સંતોનું આગમન શરૂ થઈ ગયું છે. તેમણે મુખ્યમંત્રી સાથે બેઠક કરીને પોતાના સૂચનો આપ્યા હતા. હાલ તો કુંભ મેળાની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે ત્યારે આશા રાખીએ કે ૨૦૨૫માં યોજાનારો કુંભ મેળો ભવ્ય અને ઐતિહાસિક રહે.