Last Updated on by Sampurna Samachar
બિહારમાં ચૂંટણી જંગ અન્ય કોઈપણ રાજ્ય કરતા સંપૂર્ણપણે અલગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ હવે ભાજપની નજર બિહાર પર છે, જ્યાં ઓક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ૨૪૩ સભ્યોની વિધાનસભામાંથી ૨૨૫ થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. પરંતુ બિહારમાં ચૂંટણી જંગ અન્ય કોઈપણ રાજ્ય કરતા સંપૂર્ણપણે અલગ છે. ત્યાંનું ગઠબંધન પણ નવા પ્રકારનું છે અને મુખ્ય ચહેરાઓ કેન્દ્રની રાજનીતિથી અલગ છે. જ્યાં NDA બિહાર વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી નીતિશ કુમારના ચહેરા પર લડશે, ત્યાં બીજી તરફ મહાગઠબંધનનો ચહેરો તેજસ્વી યાદવ હશે. બિહારની રાજનીતિ પર છેલ્લા ત્રણ દાયકાથી બે નેતાઓનો પ્રભાવ રહ્યો છે.
ભલે લાલુ યાદવ હવે રાજકીય રીતે એટલા સક્રિય નથી, પરંતુ બિહારમાં તેમનો પ્રભાવ ઓછો નથી થયો. લાલુના રાજકીય વારસાને હવે તેમના પુત્ર તેજસ્વી યાદવ ખૂબ જ સારી રીતે આગળ ધપાવી રહ્યા છે. નીતિશ કુમારની વાત કરીએ તો તેઓ બે દાયકાથી બિહારના મુખ્યમંત્રી છે. તેમણે ૨૦૧૫માં થોડા મહિના માટે પદ છોડી દીધું હતું અને જીતન રામ માંઝીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.
નીતીશે આ દરમિયાન ચોક્કસપણે ગઠબંધન સાથીદારો બદલ્યા છે, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી તેમની પાસે જ રહી છે. બિહારમાં કિંગ પણ છે, કિંગમેકર પણ છે અને ગઠબંધનનો જાદુ પણ છે. જો આપણે કહીએ કે બિહારનું રાજકારણ ભારતના અન્ય તમામ રાજ્યો કરતાં ઘણું જટિલ છે, તો તે અતિશયોક્તિ નહીં ગણાય.
બિહારની આગામી વિધાનસભા ચૂંટણીમાં એક તરફ ભાજપના નેતૃત્વ હેઠળનું નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) હશે તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતૃત્વ હેઠળનું મહાગઠબંધન હશે. NDA માં ભાજપની સાથે JDU , લોજપા(રામ વિલાસ), હિન્દુસ્તાની આવામ મોરચા સેક્યુલર (HAM) અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) સામેલ છે. બીજી તરફ મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને વિકાસશીલ ઈન્સાન પાર્ટી સામેલ છે.
હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ભાજપના નેતૃત્વ હેઠળના NDA નો લક્ષ્ય આગામી બિહાર ચૂંટણીમાં પણ વિજય રથ જાળવી રાખવાનો છે. દિલ્હીમાં મળેલી જીતથી NDA નો આત્મવિશ્વાસ વધુ વધ્યો છે. બીજી તરફ બિહારમાં તાજેતરની પેટાચૂંટણીઓમાં પણ NDA એ શાનદાર પ્રદર્શન કર્યું છે. NDA એ ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભામાં ૨૨૫ બેઠકો જીતવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ચૂંટણી પહેલા એકતા અને શક્તિ દર્શાવવા માટે રેલીઓ કરી રહ્યું છે.
JDU ના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજને ભારપૂર્વક જણાવ્યું હતું કે દિલ્હીમાં મળેલી જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ની મજબૂત એકતાનો સંદેશ આપે છે. NDA ૨૨૫ બેઠકો જીતવાના માર્ગે છે.
બિહારમાં ચૂંટણી પહેલા NDA માં સામેલ પક્ષોના નેતાઓ ગઠબંધનના સભ્યોમાં એકતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરેક જિલ્લામાં સંયુક્ત બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જ્યાં NDA રાજ્ય પ્રમુખો એકતા અને દૃઢ નિશ્ચયનો સંદેશ આપવા માટે એક સાથે જાય છે. જેડીયુના પ્રદેશ પ્રમુખ ઉમેશ સિંહ કુશવાહાએ પાર્ટી કાર્યકરોને વિપક્ષના વંશવાદી રાજકીય દળોનો સામનો કરવા માટે સંયુક્ત મોરચો રજૂ કરવા વિનંતી કરી.
બિહારમાં NDA ને RJD ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન (RJD , કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને VIP) જેવા મજબૂત પ્રતિસ્પર્ધીનો સામનો કરવો પડશે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ચૂંટણી પહેલા જ જનતાને ઘણા વચનો આપ્યા છે, જેમાં ‘માઈ બહેન માન યોજના’ હેઠળ પરિવારના મહિલા મુખિયાને દર મહિને ૨,૫૦૦ રૂપિયા અને ૨૦૦ યુનિટ મફત વીજળી આપવાનું વચન સામેલ છે.
તેમના અન્ય મુખ્ય વચનોમાં આર્થિક રીતે નબળા વર્ગો માટે માસિક પેન્શન અને યુવાનો માટે રોજગાર સર્જનની સાથે-સાથે પલાયન પર અંકુશ લગાવવાના ઉપાય સામેલ છે. આરજેડીના આક્રમક પ્રચાર છતાં એનડીએ બિહારમાં પોતાની જીતનો વિશ્વાસ ધરાવે છે. ભાજપના વરિષ્ઠ નેતા તારકિશોર પ્રસાદે મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં NDA ના લગભગ બે દાયકાના અસરકારક શાસનનો હવાલો આપતા આશા વ્યક્ત કરી કે બિહારમાં ભાજપ-જેડીયુ ગઠબંધનની સત્તા યથાવત રહેશે.
કેન્દ્રીય મંત્રી અને હિન્દુસ્તાની આવામ મોરચાના નેતા જીતન રામ માંઝીએ પણ દિલ્હીના પરિણામો પર પ્રતિક્રિયા આપી અને X પર એક પોસ્ટમાં લખ્યું કે, ‘દિલ્હી તો ઝાંકી હૈ, બિહાર અભી બાકી હૈ………જય એનડીએ.’
જેમ જેમ બિહાર ચૂંટણીનો પ્રચાર વેગ પકડી રહ્યો છે, તેમ-તેમ રાજ્યનો વિકાસ એજન્ડા પણ કેન્દ્રમાં આવી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે બજેટની જાહેરાતમાં બિહારના માળખાગત સુવિધાઓ અને અર્થતંત્રને વેગ આપવાના હેતુથી ઘણી જાહેરાતો કરી છે. તેમાં મખાના બોર્ડની સ્થાપના, ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ અને વેસ્ટર્ન કોશી કેનાલ જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સહાય સામેલ છે.
વધુમાં સીતારમણે બિહારમાં IIT પટનાનું વિસ્તરણ અને બિહારમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ અને મેનેજમેન્ટની સ્થાપના કરવાની યોજનાની પણ જાહેરાત કરી. આ એવા પગલાં છે જે મતદારોને પસંદ આવે તેવી અપેક્ષા છે. એનડીએ સમર્થકોને આશા છે કે, દિલ્હીમાં વિજય અને કેન્દ્રીય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો રાજ્યમાં ગઠબંધનની સ્થિતિને વધુ મજબૂત બનાવશે.
બિહારમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ભાજપ અને એનડીએમાં તેના સાથી પક્ષો અહીં પણ પોતાની તાજેતરની સફળતાઓને આગળ વધારવા માટે સખત મહેનત કરી રહ્યા છે. ભાજપ બિહારમાં વધુ એક જીત સુનિશ્ચિત કરવા માટે પોતાની દિલ્હીની જીત અને અગાઉની જીતથી બનેલા મોમેન્ટમનો લાભ ઉઠાવવા માંગે છે.
૨૦૨૫ની ચૂંટણીના પરિણામો બિહાર અને રાષ્ટ્રીય સ્તરે NDA ની સ્થિતિ અને કેન્દ્રના રાજકારણ બંને માટે મહત્વપૂર્ણ રહેશે. બિહારમાં NDA શાનદાર વિજય મેળવવામાં સફળ રહશે કે નહીં તે તો સમય જ બતાવશે. પરંતુ દાવ પર ઘણું બધું લાગ્યું છે કારણ કે, ભાજપ દેશના રાજકીય રીતે દેશના સૌથી મહત્વપૂર્ણ રાજ્યોમાંના એકમાં પોતાની મજબૂત પક્કડ જાળવી રાખવા માંગે છે.