Last Updated on by Sampurna Samachar
કામરાના ૭ એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર
પોલીસ તરફથી આ બીજું સમન્સ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મદ્રાસ હાઈકોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને ૭ એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી કરતાં મહારાષ્ટ્રમાં ભારે હોબાળો થયો હતો. જેમાં કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, અરજદારે પોતાની અરજીમાં કહ્યું છે કે, ‘તે મહારાષ્ટ્રની કોર્ટનો સંપર્ક કરી શકતા નથી… કારણ કે તેમના જીવને જોખમ છે.

મુંબઈની ખાર પોલીસે ૩૧ માર્ચે કુણાલ કામરાને સમન્સ મોકલ્યું હતું અને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું હતું. પોલીસ તરફથી આ બીજું સમન્સ છે. મદ્રાસ હાઈકોર્ટે (HIGH COURT) વચગાળાના જામીન આપતાં કહ્યું કે, કુણાલ કામરાને કાયમી કાનૂની ઉપાય ન કરે, ત્યાં સુધી ધરપકડમાંથી રાહત આપવામાં આવશે.
આગોતરા જામીનનો હેતુ રાજકીય દબાણથી બચાવવાનો
આપને જણાવી દઈએ કે, શિવસેનાના ધારાસભ્ય મુરાજી પટેલે આ કેસ દાખલ કર્યો હતો. કામરાએ ટ્રાન્ઝિટ આગોતરા જામીનની અરજી કરી હતી, કારણ કે તેમને ડર હતો કે મુંબઈ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. કોર્ટે સ્વીકાર્યું કે, તેમની સામે પ્રથમ દ્રષ્ટિએ કેસ છે અને રાજકીય દબાણને કારણે તેમની સુરક્ષા પર જોખમ ઉભું થયું છે.
મદ્રાસ હાઈકોર્ટે વચગાળાનું રક્ષણ આપતાં કહ્યું કે, કામરા કાયમી કાનૂની ઉપાયો ન લે ત્યાં સુધી તેમને ધરપકડથી રક્ષણ મળશે. પ્રિયા ઇન્દોરિયા કેસનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે, આગોતરા જામીનનો હેતુ રાજકીય દબાણથી બચાવવાનો છે.
શિવસેનાના ધારાસભ્ય મુરાજી પટેલે આ કેસ દાખલ કર્યો હતો. એવો આરોપ છે કે, કામરાએ એક કોમેડી શોમાં શિંદેને દેશદ્રોહી ગણાવતા પેરોડી ગીત ગાયું હતું. આ કેસ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૩(૧)(B), ૩૫૩(૨) (જાહેરમાં ઉશ્કેરણી) અને ૩૫૬(૨) (માનહાનિ) હેઠળ નોંધવામાં આવ્યો છે. કામરાના શો પછી, શિવસેનાના કાર્યકરોએ મુંબઈના હેબિટેટ ક્લબમાં તોડફોડ કરી હતી. જેમાં ૧૨ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા. કામરાની ટીમે દલીલ કરી હતી કે, આ કેસ ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાને દબાવવાનો પ્રયાસ‘ છે.