Last Updated on by Sampurna Samachar
મધ્યપ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ૩ લોકોના મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્યપ્રદેશના પન્ના ખાતે આંધ્રપ્રદેશની વેગેનાર કાર પાછળથી એક અજાણ્યા મોટા વાહન સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કાર પલ્ટી મારી ગઈ હતી અને કારમાં મુસાફરી કરી રહેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમજ ૧૫ દિવસમાં જે યુવકના લગ્ન થવાના હતા તે પણ સામેલ અકસ્માતનો ભોગ બન્યો હતો.
આ અકસ્માત પન્ના જિલ્લા ઇટોરી ગામ પાસે થયો હતો. આંધ્રપ્રદેશની આ મારુતિ વેગેનાર કરકટનીથી પન્ના તરફ જઈ રહી હતી. તે જ સમયે એક અજાણ્યા મોટા વાહન સાથે કાર અથડાઈ હતી, જેના કારણે કારમાં સવાર બે મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઘવાયા હોવાનું પણ જાણવા મળે છે.
ઘટના અંગે વધુ માહિતી મળી છે કે ઘાયલ થયેલા લોકો ઉત્તર પ્રદેશના ઝાંસી શહેર પાસેના સમથર ગામના રહેવાસી છે, જેઓ તેલંગાણામાં પાણીપુરી વેચતા હતા. મૃતકોમાં એક યુવક ચંદ્રશેખર પાલ હતો, જેના ૬ ફેબ્રુઆરીના રોજ લગ્ન થવાના હતા. પરિવારમાં તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી.
પરિવારના સભ્યો લગ્નની તૈયારીઓ માટે તેમના ગામ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે તાત્કાલિક કોઈને આ ઘટનાની જાણ થઈ ન હતી. જે વાહન સાથે ટક્કર થઇ તે વાહન ચાલક પણ ફરાર છે. અહીંથી પસાર થતા લોકોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. તમામ ઘાયલ અને મૃતકોને વાહનમાંથી બહાર કાઢીને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અમનગંજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.