પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન લખેલ બેગ લઈને સંસદમાં જોવા મળતા વાત ફેલાઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વાયનાડથી સાંસદ અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એક તરફ બાંગ્લાદેશના મુદ્દે આપેલા પોતાના ભાષણ માટે ચર્ચામાં છે તો બીજી તરફ હવે તેમની બેગ ભારે ચર્ચામાં છે.
પ્રિયંકા ગાંધી સંસદમાં એક બેગ સાથે જોવા મળ્યા હતા. જે આ બેગ પર પેલેસ્ટાઈન લખ્યું હતું. ત્યારે હવે તેમનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી સંસદમાં જે બેગ લઈને ગયા હતા તેના પર પેલેસ્ટાઈનીઓ સાથે એક જૂથતાના પ્રતિક ચિહ્નો પણ હતા, જેમાં તરબૂચ પણ સામેલ હતું છે. જે આ ક્ષેત્રમાં લાંબા સમયથી માન્યતા પ્રાપ્ત પ્રતિક છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી લાંબા સમયથી પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યા છે અને ગાઝામાં સંઘર્ષને લઈને તેમણે ઘણી વખત મજબૂતાઈથી વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે સંસદ સંકુલમાં બેગ લઈને ફરતા પ્રિયંકા ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
પ્રિયંકા ગાંધીના બેગની આ તસવીર એવા સમયે સામે આવી છે જ્યારે થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન એમ્બેસીના ઈન્ચાર્જ અબેદ અલરાઝેગ અબુ જાજર સાથે બેઠક દરમિયાન કાળા અને સફેદ રંગના કેફિયેહ પહેરેલા જોવા મળ્યા હતા. દિલ્હીમાં તેમના ઘરે આયોજિત આ બેઠકમાં જાજરે પ્રિયંકા ગાંધીને કેરળના વાયનાડથી ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. બેઠક દરમિયાન પેલેસ્ટિનિયન રાજદ્વારીએ કોંગ્રેસ નેતાને કહ્યું હતું કે, ભારતે ગાઝામાં યુદ્ધવિરામની હિમાયત કરવા અને યુદ્ધગ્રસ્ત પટ્ટીના પુનર્નિર્માણમાં મદદ કરવા માટે ભૂમિકા ભજવવાની જરૂર છે.
તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી ગાઝામાં ઈઝરાયલની કાર્યવાહીઓની અનેક વખત ટીકા કરી ચૂક્યા છે. ગત વર્ષે ઓક્ટોબરમાં તેમણે ગાઝામાં સૈન્ય અભિયાનો દરમિયાન ઈઝરાયલ પર આતંરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેમણે ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની કાર્યવાહીની નિંદા કરી હતી અને વિશ્વભરના દેશોને તેમની નિંદા કરવા વિનંતી કરી હતી.