Last Updated on by Sampurna Samachar
ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવું વર્ષ ૨૦૨૫ની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે જાન્યુઆરીની શરૂઆતમાં જ LPG ના ભાવમાં ઘટાડો નોધાયો છે. ઑયલ એન્ડ ગેસ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હીથી મુંબઈ સુધી સિલિન્ડરના ભાવમાં ૧૪ થી ૧૬ રૂપિયા સુધી ઘટાડો થયો છે. આ ઘટાડો કંપનીના ૧૯ કિલોગ્રામ વાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં થયો છે. જ્યારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
IOCL ની વેબસાઇટ પર અપડેટ કરવામાં આવેલા નવા ભાવ મુજબ, રાજધાની દિલ્હીમાં ૧ જાન્યુઆરી થી ૧૯ કિલોવાળા LPG સિલિન્ડરની કિંમત ઘટીને ૧૮૦૪ રૂપિયા થઈ છે. જે ૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ૧૮૧૮.૫૦ રૂપિયા હતા. એટલેકે કે સિલિન્ડરના ભાવમાં ૧૪.૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી જ નહીં દેશના અન્ય મહાનગરોમાં પણ કિંમતમાં બદલાવ થયો છે.
દિલ્હી ઉપરાંત કોલકાતામાં ૧૯ કિલોવાળા સિલિન્ડરની કિંમત રૂ.૧૯૨૭થી ઘટીને રૂ.૧૯૧૧ થઈ છે. આમ અહીં ૧૬ રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં રૂ.૧૭૭૧ની કિંમતે મળતા સિલિન્ડરની કિંમત હવે રૂ.૧૭૫૬ થઈ ગઈ છે, એટલે કે અહીં ૧૫ રૂપિયાનો ઘટાડો થયો છે. ચેન્નાઈની વાત કરીએ તો અહીં ૧૯૮૦.૫૦ રૂપિયામાં મળતા સિલિન્ડરની કિંમત હવે ૧૯૬૬ રૂપિયા થઈ ગઈ છે.
ઘણા લાંબા સમય બાદ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો છે. જોકે ૧૪ કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સિલિન્ડર પહેલી ઓગસ્ટ થી નિર્ધારીત કરાયેલી કિંમત પર જ મળી રહ્યો છે. નવા વર્ષે પણ તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. રસોઈમાં વપરાતા LPG ગેસ સિલિન્ડરની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત ૮૦૩ રૂપિયા, કોલકાતામાં ૮૨૯ રૂપિયા, મુંબઈમાં ૮૦૨.૫૦ અને ચેન્નાઈમાં ૮૧૮.૫૦ રૂપિયા પર સ્થિર છે.