Last Updated on by Sampurna Samachar
યુવાનનો મૃતદેહ મળ્યો પણ યુવતીની શોધખોળ ચાલુ
તાપી નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં આપઘાતની સાંખ્યમ સતત વધારો જોવા મળી રહ્યો છે . તેમાં ખાસ કરીને બ્રિજ હવે આપઘાત કરવા માંગતા લોકો માટે જાણે સરળ સાધન બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આવો જ એક કિસ્સો હાલ શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી સામે આવ્યો છે, જ્યાં એક પ્રેમી યુગલે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.

ત્યારે ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે દોડી આવેલા ફાયર વિભાગે નદીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે, જ્યારે યુવતીની શોધખોળ હાલ ચાલું છે, ત્યારે આ ઘટનાએ હાલ સમગ્ર પંથકમાં ચકચાર મચાવ્યો છે.
ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ
મળતી માહિતી મુજબ, સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી સવારે એક કપલે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ઘટનાની જાણકારી મળતા જ કાપોદ્રા અને આસપાસના ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
બાદમાં ફાયરના જવાનોએ નદીમાં આ કપલની શોધખોળ શરૂ કરી હતી, જેમાં કલાકોની જહેમત બાદ હાલ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જોકે, તેની સાથે કૂદનાર યુવતીનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. નદીમાં પાણીની ઊંડાઈને ધ્યાને રાખીને ફાયર વિભાગ દ્વારા યુવતીની શોધખોળ માટે સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે બ્રિજની સુરક્ષા અને લોકોની માનસિક સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે કાપોદ્રા પોલીસે આ મામલે અકસ્માતે મોતના ગુનાની નોંધ કરવાની તજવીજ હાથ ધરી છે અને યુગલ કોણ હતું તથા કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે.