Last Updated on by Sampurna Samachar
કોસંબા સુટકેસ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો
લગ્ન માટેનું આ દબાણ જ મહિલાની હત્યાનું કારણ બન્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત જિલ્લાના કોસંબા ખાતે સુટકેસમાંથી મળી આવેલા અજાણી મહિલાના મૃતદેહના રહસ્ય પરથી આખરે પડદો ઊંચકાયો છે. LCB એ પોલીસે આ હત્યા કેસના મુખ્ય આરોપી, મૂળ બિહારના રહેવાસી રવિ શર્માને દિલ્હી નજીકથી ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક મહિલા અને આરોપી રવિ શર્મા પ્રેમી-પ્રેમિકા તરીકે સાથે રહેતા હતા. મહિલા સતત રવિ પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. લગ્ન માટેનું આ દબાણ જ મહિલાની હત્યાનું કારણ બન્યું હતું. દબાણથી કંટાળીને પ્રેમી રવિ શર્માએ તેની પ્રેમિકાની ગળું દબાવીને ર્નિમમ હત્યા કરી નાખી હતી.
હત્યા કેસનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હત્યા કર્યા બાદ આરોપીએ મૃતદેહને છુપાવવા માટે તેને એક મોટી સુટકેસમાં ભર્યો હતો અને કોસંબા વિસ્તારમાં ખાસ કરીને તરસાડી નજીક ખાડી પાસે ફેંકી દીધો હતો. આ ઘટના બાદ આરોપી રવિ દિલ્હી નજીક ફિરોઝાબાદ ભાગી ગયો હતો.
કોસંબા-તરસાડી ખાતે ટ્રોલી બેગમાંથી બાંધેલી હાલતમાં અજાણી મહિલાની લાશ મળી આવતા સમગ્ર સુરત જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં મૃતકની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂપ બની હતી, પરંતુ જિલ્લા પોલીસે પાંચથી વધુ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનામાં પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને ટ્રેસ કર્યો હતો. પોલીસે મૃતક મહિલાની ઓળખ મેળવતા જ એલસીબીએ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રવિ શર્મા સુધી પહોંચી અને દિલ્હી નજીકથી તેની ધરપકડ કરી લીધી હતી.
આધારભૂત સૂત્રો અનુસાર, કોસંબા બજારની એક દુકાનમાંથી આરોપીએ આ ટ્રોલી બેગ ખરીદી હોવાની માહિતી મળતાં પોલીસે તે દુકાન આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા, જે તપાસમાં મદદરૂપ સાબિત થયા. શરૂઆતમાં લોકો મૃતક મહિલાને રવિની પત્ની માની રહ્યા હતા, પરંતુ હકીકતમાં તે તેની પ્રેમિકા હતી.
પોલીસે પરપ્રાંતીય મહિલા અને આરોપી પરપ્રાંતીય હોવાની આશંકાના આધારે ૫૦ થી વધુ લોકોની પૂછપરછ પણ કરી હતી. કોસંબાની આ હત્યા કેસનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. હવે પોલીસ આ કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરશે.