કાલાવડ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ દાખલ થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધૂનધોરાજી ગામમાં રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરી લીધા બાદ પ્રેમલગ્ન કરનાર યુવાનની બહેન-બનેવી સહિત ત્રણ વ્યક્તિનું એક બોલેરો કારમાં આવેલા ચાર શખ્સો અપહરણ કરી જતાં ભારે ચકચાર જાગી છે. જે બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ધૂનધોરાજીમાં રહેતા કૈલાશભાઈ અને તેના પત્ની ઉષાબેન તથા પુત્રી નિશાબેન કે જેઓ ત્રણેય પોતાની વાડીની ઓરડીમાં સુતા હતા, જે દરમિયાન વિક્રમ સમસિંગભાઈ દેહીજા તથા ગોટુ માવી અને બે અજાણ્યા શખ્સો એક સફેદ કલરની બોલેરો કારમાં આવ્યા હતા, અને કૈલાશભાઈના પુત્ર ઉમેશને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કૈલાશભાઈ તેના પત્ની ઉષાબેન અને પુત્રી નિશાને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. આથી આ મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને ચારેય અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર કૈલાશભાઈના સાળા દિનેશે થોડા દિવસ પહેલા આરોપીની બહેન સાથે ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેનો ખાર રાખીને રાતે ચારેય આરોપીઓ આવ્યા હતા, અને કૈલાશભાઈ તથા તેની પત્ની અને પુત્રીનું અપહરણ કરી જતા રહ્યા હતા.