Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૮ મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો
૫૫૦ કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડનો આરોપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી સઘન કાર્યવાહી દરમિયાન ૫૫૦ કરોડ રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી દિવ્યેશ ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીની ધરપકડ થતાં તપાસ એજન્સીઓને મહત્વની સફળતા મળી છે. પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી વધુ કડીઓ ખુલવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ કેસની ગંભીરતા એટલી મોટી છે કે તેના તાર વિદેશી ધરતી સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.દિવ્યેશ ચક્રાણી છેલ્લા ૮ મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો. ધરપકડથી બચવા માટે તે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો અને નાસતો ફરતો હતો. જોકે, પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તેને સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ દબોચી લેવામાં આવ્યો છે. તેની ધરપકડથી આ કૌભાંડના અન્ય રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરી
આ માત્ર એક વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખું નેટવર્ક હતું. આ અગાઉ સુરત પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને કુલ ૩૦ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગેંગ સામાન્ય લોકોના ડેટા ચોરી કરીને, ફેક કોલ સેન્ટર્સ દ્વારા અથવા ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી.
દિવ્યેશ ચક્રાણીની ધરપકડ બાદ પોલીસ હવે તેના બેંક એકાઉન્ટ્સ, વિદેશી સંપર્કો અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે. આ ૧૫૫૦ કરોડ ક્યાં ટ્રાન્સફર થયા અને આમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે, તે અંગે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે. સુરત પોલીસની આ કામગીરી સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે.