સંસદની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલતી રહે તે માટે આયોજન
તમામ પક્ષો ગૃહને ચલાવવા સંમત થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સંસદના બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ બંધારણ, અદાણી કેસ, મણિપુર અને સંભલમાં હિંસા જેવા મુદ્દા ઉછાળી હોબાળો કરતા સંસદની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. ત્યારે સંસદની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણ ચાલતી રહે તે માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તમામ પક્ષો બંધારણ પર ચર્ચા કરવા માટે તૈયાર થઈ ગયા છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે, બંધારણ મુદ્દે લોકસભામાં ૧૩ અને ૧૪ ડિસેમ્બરે જ્યારે રાજ્યસભામાં ૧૬ અને ૧૭ ડિસેમ્બરે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં તમામ પાર્ટીઓએ સંસદની કામગીરી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચાલવા દેવા સંમત થયા છે.
સંસદમાં શિયાળુ સત્રમાં દરમિયાન વિરોધ પક્ષોએ વિવિદ મુદ્દે ભારે હંગામો મચાવ્યો હતો, જેના કારણે બંને ગૃહો અવારનવા સ્થગિત કરવા પડ્યા છે. આ બાબતને ધ્યાને રાખી લોકસભા અધ્યક્ષે સર્વપક્ષીય બેઠક યોજી હતી. બેઠકમાં લોકસભા અધ્યક્ષે તમામ પક્ષોના નેતાઓ સમક્ષ બંધારણ પર ચર્ચા કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો, જેને તમામ પક્ષોએ સ્વિકારી લીધો છે અને ચર્ચા કરવા માટે સંમત થયા છે.
કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ કહ્યું કે, ‘શિયાળુ સત્ર શરૂ થયું ત્યારથી બંને ગૃહોમાં હોબાળો થઈ રહ્યો છે, જે મામલે બેઠકમાં સામેલ તમામ પક્ષોએ ચિંતા વ્યક્ત કરી છે. અમે કહ્યું કે, તમામ લોકો સંસદમાં પોતાની વાત રજુ કરવા આવે છે. આટલા દિવસ સુધી સંસદની કામગીરી ન ચાલવાના કારણે પ્રજાના પૈસાનું નુકસાન થવું, યોગ્ય બાબત નથી. તમામ લોકોએ આ વાત માની છે. બેઠક દરમિયાન વિપક્ષ દ્વારા અનેક માંગ રાખવામાં આવી છે. વ્યાપાર સહકાર સમિતિમાં બંધારણ અંગે ચર્ચા કરવાનો પ્રસ્તાવ હતો, જેને સરકારે મંજૂરી આપી દીધી છે. લોકસભામાં ૧૩ અને ૧૪ ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ૧૬ અને ૧૭ ડિસેમ્બરે રાજ્યસભામાં ચર્ચા કરાશે. આવતીકાલથી ચર્ચા શરૂ થશે અને અમે ગૃહમાં પ્રથમ બિલ પસાર કરીશું.’
સત્તાધારી ભાજપ વિપક્ષના આકરા સવાલોનો જવાબ આપતી રહી છે. વિપક્ષનું કહેવું છે કે, મોદી ૩.૦માં બંધારણ સાથે છેડછાડ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપ નેતા અમિત શાહ પણ ઘણી વખત વિપક્ષોના દાવાને રદીયો આપતા રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંસદનું શિયાળુસત્ર ૨૫ નવેમ્બરથી શરૂ થયું છે. જાેકે વિવિધ મુદ્દાઓને કારણએ બંને ગૃહોનું કામકાજ આગળ વધી શક્યું નથી. સમાજવાદી પાર્ટીના સાંસદે સંભલ હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા, તો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદો બાંગ્લાદેશ મુદ્દો ઉઠાવી રહ્યા હતા.