Last Updated on by Sampurna Samachar
મેમર ગામમાં ગ્રોથપાથ પેટ્રોકેમ કંપનીથી પ્રદુષણથી ફરિયાદ
કંપની પર્યાવરણીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના બાવળા તાલુકામાં આવેલા મેમર ગામમાં ઔદ્યોગિક પ્રદૂષણના કારણે ગ્રામજનોનું જીવન અત્યંત કષ્ટમય બની ગયું છે. ગામની નજીકમાં જ કાર્યરત ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડકંપની દ્વારા ફેલાવાતા અતિશય અવાજ અને વાયુ પ્રદૂષણ સ્થાનિક લોકો, બાળકો અને પશુઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

આ કંપની, જે અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે, તેને ૨૦૨૨માં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળી હતી, પરંતુ હવે ગ્રામજનોના આરોપ છે કે કંપની પર્યાવરણીય નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે.
લોકોને તણાવ, માથાનો દુખાવો અને શ્વાસની તકલીફ વધી
ગ્રોથપાથ પેટ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના ૨૦૨૧માં કરવામાં આવી હતી અને તેનું રજિસ્ટર્ડ એડ્રેસ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં છે. કંપનીનું પ્લાન્ટ મેમર ગામમાં સર્વે નંબર ૪૧૪ પર આવેલું છે, જ્યાં ૧૨૦ કિલોલીટર પ્રતિ દિવસ અનાજ આધારિત ઇથેનોલ પ્લાન્ટ સાથે ૩.૨ મેગાવોટ કો-જનરેશન પાવર પ્લાન્ટ કાર્યરત છે.
આ પ્રોજેક્ટને જાન્યુઆરી ૨૦૨૨માં પર્યાવરણીય મંજૂરી મળી હતી, જેમાં પ્રદૂષણનિયંત્રણ માટેના કડક નિયમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમ કે અવાજની મર્યાદા, વાયુ ઉત્સર્જનનું નિયંત્રણ અને કચરાનું વ્યવસ્થાપન. જોકે, સ્થાનિકો અનુસાર, કંપની આ નિયમોનું પાલન કરતી નથી, જેના કારણે ગામમાં પ્રદૂષણ ની સમસ્યા વધી રહી છે.
આ પ્લાન્ટમાં અનાજની પ્રક્રિયા, ડિસ્ટિલેશન અને પાવર જનરેશન જેવી પ્રવૃત્તિઓ થાય છે, જેમાંથી અવાજ અને ધૂળનું ઉત્સર્જન સ્વાભાવિક છે. પરંતુ જો તેને યોગ્ય રીતે નિયંત્રિત ન કરવામાં આવે તો તે આસપાસના વિસ્તારોને અસર કરી શકે છે, જેમ કે ગુજરાતમાં અન્ય પેટ્રોકેમિકલ ઉદ્યોગોમાં જોવા મળ્યું છે.આ પ્રદૂષણની સૌથી વધુ અસર નાના બાળકો અને વડીલો પર પડી રહી છે.
ભારે અવાજને કારણે બાળકો રાત્રે ડરીને જાગી જાય છે અને સતત રડતા રહે છે, જેના લીધે તેમની ઊંઘ અપૂર્ણ રહે છે અને આરોગ્ય સમસ્યાઓ જેમ કે તણાવ, માથાનો દુખાવો અને શ્વાસની તકલીફ વધી રહી છે. એક સ્થાનિક માતા કહે છે, “મારા બાળકને રાત્રે ઊંઘ જ નથી આવતી. અવાજથી તે ડરી જાય છે અને બીમાર પડી રહ્યું છે.”