Last Updated on by Sampurna Samachar
આસામ મુખ્યમંત્રીએ ONGC ના ચેરમેનની લીધી મુલાકાત
નિદ્રાની સમસ્યા, ચામડીના ચેપ અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે સમસ્યાઓ
(સંપૂર્ણ સમાચાર સેવા)
આસામના શિવસાગર જિલ્લામાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ના રુદ્રસાગર ઓઇલફીલ્ડમાં ગત ૧૨ જૂન, ૨૦૨૫થી ગેસ લીક થવાની ઘટના સામે આવી હતી. આ ગંભીર ઘટનાનું એક અઠવાડિયું વિતવા છતાં હજુ પણ ગેસ લીકેજ પર અંકુશ આવ્યું નથી. આજે આઠમા દિવસે પણ ગેસ લીકેજ થઈ રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનાને કારણે ૩૩૦ થી વધુ પરિવારોને તેમના ઘરો છોડીને રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. આ લોકોને નિદ્રાની સમસ્યા, ચામડીના ચેપ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત, એક વ્યક્તિને બેહોશીની હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે.
અગાઉ વર્ષ ૨૦૨૦માં ગેસ લીકેજનો સિલસિલો રહ્યો હતો
આ ઘટના અંગે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ ONGC ના ચેરમેન અરુણ કુમાર સિંઘ સાથે પણ મુલાકાત કરી હતી. સ્થિતિની સમીક્ષા કરી, ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે ONGC ના અધિકારીઓને આ લીકેજને રોકવા માટે યુદ્ધના ધોરણે કામ કરવા જણાવ્યું છે. તેમણે આ મામલે કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. ઉપરાંત, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આસામના દ્વારા હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ONGC ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આટલા મોટા પાયે ગેસના ભંડારની હાજરી અગાઉ જોવા મળી ન હતી. જેથી આ ગેસ લીકેજની દુર્ઘટના એક અણધારી ઘટના છે. કંપનીએ દાવો કર્યો છે કે લીક થતા ગેસમાં ૯૭% મિથેન છે, જે બિન-ઝેરી છે અને હળવો હોવાથી ઉપરના વાતાવરણમાં ચઢી જાય છે.
નોંધનીય છે કે, અગાઉ પણ વર્ષ ૨૦૨૦માં આસામના તિનસુકિયા જિલ્લામાં પર આવી જ એક ગંભીર ગેસ લીકેજની ઘટના બની હતી. જેમાં ૧૭૩ દિવસ સુધી ગેસ લીક થતો રહ્યો હતો અને આગ લાગવાને કારણે ત્રણ લોકોના મોત પણ થયા હતા.
જોકે એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી આ ગેસ લીકેજની ઘટનામાં હજુ સુધી તો કોઈના જીવ ગયા નથી, પરંતુ મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવનાઓને નકારી શકાય નહીં. જેથી સ્થાનિકો પણ વિરોધ પ્રદર્શન કરી આ ઘટના અંગે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જોકે CM સોરેને તેઓની મુલાકાત લઈ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો.