Last Updated on by Sampurna Samachar
કોર્પોરેટરના પતિએ મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા જિલ્લાના પાદરા નગરપાલિકામાં સત્તાના નશામાં ચૂર એક કોર્પોરેટરના પતિએ મહિલા કર્મચારી સાથે અભદ્ર વર્તન કર્યું હોવાની ઘટના સામે આવી છે. પાદરા નગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિએ મહિલા એન્જિનિયરને વીડિયોના માધ્યમથી અપશબ્દોનો ઉપયોગ કરતા રાજકારણ ગરમાયું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પાદરાનું રાજકારણ ગરમાયું છે.

મળતી માહિતી અનુસાર, પાદરા નગરપાલિકાના મહિલા કોર્પોરેટર ચેતનાબેન ગાંધીના પતિ પિયુષ ગાંધી વીડિયો બનાવવની લ્હાયમાં ભાન ભૂલ્યા છે. વીડિયો બનાવવાની લ્હાયમાં અને સત્તાના જોરમાં પિયુષ ગાંધી મર્યાદા ભૂલ્યા છે. કોર્પોરેટરના પતિ વીડિયોમાં મહિલા એન્જિનિયર અપશબ્દો બોલ્યા છે.
વિપક્ષો અને જનતા દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, પિયુષ ગાંધી મહિલા કર્મચારી માટે અત્યંત કનિષ્ઠ કક્ષાની ભાષા અને અપશબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે. વીડિયોમાં મહિલા કોર્પોરેટર પતિ વરસાદી કાંસના કારણે રસ્તાઓ બંધ કરી દીધા હોવાનો દાવો કરે છે. એક જવાબદાર મહિલા પ્રતિનિધિના પતિ હોવા છતાં એક સરકારી મહિલા કર્મચારી સાથે આ પ્રકારનું અશોભનીય વર્તન કરવામાં આવતા નગરપાલિકાના અન્ય કર્મચારીઓમાં પણ છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
આ વીડિયો વાયરલ થતાની સાથે જ પાદરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપક્ષો અને જનતા દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે, શું કોર્પોરેટરના પતિને પાલિકાના કામમાં દખલગીરી કરવાની છૂટ છે? ફરજ પરના મહિલા કર્મચારીનું અપમાન કરનાર સામે શાસક પક્ષ કે તંત્ર પગલાં લેશે?