Last Updated on by Sampurna Samachar
છાપેલી કિંમત કરતા વધુ ભાવ સામે ગ્રાહકે કરી ટકોર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ અમદાવાદ હાઈવે પર અનેક હોટલ આવેલી છે. જેને લઈને વસ્તુની કિંમત કરતા વધુ ભાવ લેવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે ફરી એક વખત લીંબડી નેશનલ હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે.જેમાં એક ગ્રાહક દ્વારા પાનના ગલ્લા પર વેપારીને MRP કરતા વધુ ભાવ લેવા બાબતે ટકોર કરતા વેપારી ઉગ્ર બની ગયો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
જણાવી દઈએ કે, બે વ્યક્તિ હોટલમાં આવેલ પાનના ગલ્લા પર ગયા હતા. જે બાદ તેણે લીધેલી વસ્તુઓના ભાવ MRP કરતા વધુ વસૂલવામાં આવ્યો હતો. જેની ગ્રાહકોએ વીડિયો ઉતારતા પૂછ્યું કે, વધારે ભાવ કેમ લઈ રહ્યા છો, તો ગલ્લાવાળો શખ્સ ઉગ્ર થઈ ગયો હતો અને તે બન્ને હોટલના પાછળના ભાગે લઈ જવા લાગ્યો હતો. આ બાદ સામાન્ય બોલાચાલી બાદ ગલ્લો ચલાવનાર ઉગ્ર થઈ ગયો હતો અને મારામારી પર આવી ગયો હતો. ગ્રાહક વીડિયો ઉતારતો હતો તો ગલ્લાવાળો શખ્સ તેના પર તૂંટી પડ્યો હતો.
ઝઘડો જોઈને હોનેટ્સ હોટલના સંચાલકો પણ આવી ગયા હતા અને વીડિયો ઉતારવા બાબતે આ સખ્શો સામે મારામારી કરવા લાગ્યા હતા. આ બાબતે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ બન્ને ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, હોટલ પર રહેલા ૩થી ૪ અજાણ્યા શખ્સોએ અમારી સાથે મારામારી કરીને ગળામાં પહેરેલો સોનાનો ચેઈન આંચકી લીધો હતો. આ ઉપરાંત, અમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ લેખિત ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બન્ને ગ્રાહકો દ્વારા જવાબદાર સંચાલકો અને માર મારનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની માંગ કરી છે.
જો આવું કઈ પણ તમે ક્યાંય જુઓ તો તેને કઈ જગ્યાએ અને કેવી રીતે ફરિયાદ કરી શકો છો તે અંગે વડોદરા શહેરના એડવોકેટ વિરાજ ઠક્કરે જણાવી કે, નામદાર કોર્ટના નિયમો અનુસાર MRP કરતા વધુ કિંમત લઈ શકાતી નથી. પરંતુ જો કોઈ રેસ્ટોરન્ટ કે કેફેમાં બેઠા હોય ત્યારે એ લોકો વસ્તુની MRP સહિત એમનો સર્વિસ ચાર્જ લગાડી શકે છે. એવી જ રીતે જો કોઈ ૫૦૦ ગ્રામની વસ્તુ ખરીદી હોય અને તેનું ફક્ત ૪૫૦ ગ્રામ જ વજન થાય તો બાકીના ૫૦ ગ્રામના પૈસા લેવા માટે પણ ગ્રાહક હકદાર હોય છે.
આ રીતે ઘણી વખત ગ્રાહકો છેતરાઈ જતા હોય છે અથવા તો એક-બે રૂપિયા માટે કોર્ટના ધક્કા ન ખાવા પડે એ માટે ગ્રાહકો પોતાનો હક જતો કરે છે. પરંતુ ગ્રાહકો માટે ગ્રાહક સુરક્ષા ફોરમની સુવિધા ઉપલબ્ધ છે. આ જગ્યાએ ગ્રાહક પોતાનો દાવો કરી શકે છે અને ગ્રાહક સુરક્ષા ફોરમ અચૂક પણે આ બાબતોનો ચુકાદો આપતી હોય છે. જ્યાં ગ્રાહકને વ્યાજ સહિતની રકમ પરત મળે છે.