Last Updated on by Sampurna Samachar
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો
આશુતોષ બ્રહ્મચારી પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે : હુમલામાં તેઓ લોહીલુહાણ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ કોર્ટમાં યૌન શોષણનો કેસ દાખલ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો રીવા એક્સપ્રેસ ટ્રેનમાં પ્રયાગરાજ જતી વખતે કરવામાં આવ્યો હતો. આ ઘટના ફતેહપુર અને કૌશામ્બી જિલ્લાના સિરાથુ રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી.
આશુતોષ બ્રહ્મચારી પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે.

આ હુમલામાં તેઓ લોહીલુહાણ થઈ ગયા છે. આશુતોષ મહારાજે ટ્રેનના ટોયલેટમાં પોતાની જાતને બંધ કરી દઈને પોતાનો જીવ બચાવ્યો છે. આ જીવલેણ હુમલામાં આશુતોષ મહારાજને અનેક જગ્યાએ ઈજાઓ પહોંચી છે. આશુતોષ બ્રહ્મચારી લોહીલુહાણ હાલતમાં પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. જાેકે તેમની હાલત ખતરાથી બહાર છે. ફોન પર થયેલી વાતચીતમાં આશુતોષ મહારાજે જણાવ્યું કે હુમલાખોર તેમની નાક કાપવા માંગતો હતો.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ વધુ એક ગુનાહિત કેસ નોંધાઈ શકે
તેમણે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર હુમલાનું કાવતરું રચવાની શંકા વ્યક્ત કરી છે. હાલમાં તેઓ મેડિકલ તપાસ માટે હોસ્પિટલ જઈ રહ્યા છે. આશુતોષ બ્રહ્મચારી મહારાજે એફઆઈઆર નોંધાવવા માટે પ્રયાગરાજ જીઆરપીમાં અરજી આપી છે. જેમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સહિત અન્ય લોકોને કાવતરાખોર ગણાવ્યા છે. આ મામલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ વધુ એક ગુનાહિત કેસ નોંધાઈ શકે છે.
આશુતોષ બ્રહ્મચારીએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમણે આ બાબતે તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. આશુતોષ બ્રહ્મચારીએ આરોપ લગાવ્યો હતો કે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી યુવાન બટુકો (ધાર્મિક વિદ્યાર્થીઓ) ને લાવવામાં આવ્યા હતા અને આશ્રમોમાં તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું.
આશુતોષ બ્રહ્મચારી મહારાજે પ્રયાગરાજમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે એક આશ્રમમાં ગેરવર્તનનો દાવો કર્યો હતો અને ઘણા લોકોના નામ લીધા હતા, જેમને તેમણે આરોપી ગણાવ્યા હતા. બ્રહ્મચારીએ સંત પર આરોપ લગાવતા કહ્યું હતું કે જે લોકો ગંગા મા ને ગંદી કહે છે, તેઓ ગંગામાં સ્નાન કરી શકતા નથી.