Last Updated on by Sampurna Samachar
૨૬૧ થી વધુ રસ્તાઓ ધોવાઈ જતાં પરિવહન ખોરવાયું
અનેક સ્થળોએ ભુસ્ખલનની ઘટના જોવા મળી
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું છે. મંડી બાદ ચંબા વિસ્તારમાં પણ આભ ફાટતાં પૂરની તારાજી સર્જાઈ છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જનજીવન ખોરવાઈ ગયુ છે. ૨૬૧ થી વધુ રસ્તાઓ ધોવાયા છે. આગામી ત્રણ દિવસ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મૃત્યુઆંક વધીને ૭૪ થયો છે. ૭૦ થી વધુ લોકો હજી ગુમ છે. NDRF , SDRF સહિતની બચાવ ટુકડી સતત બચાવ કામગીરી હાથ ધરી છે.

ચંબા જિલ્લામાં ભયાવહ રીતે આકાશમાંથી આફત વરસી રહી છે. નાકોર્ડ-ચંજુ રસ્તા નજીક આવેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયુ છે. લોખંડનો બ્રિજ તણાઈ ગયો છે. રસ્તાઓ ધોવાઈ જતાં પરિવહન ખોરવાયું છે. અનેક સ્થળોએ ભુસ્ખલનની ઘટના બની રહી છે. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી.
નવ જિલ્લામાં હવામાન વિભાગનુ એલર્ટ જાહેર
મંડી જિલ્લામાં આભ ફાટવાના ૧૦ કિસ્સા બન્યા છે. જેમાં ૧૪ થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ૩૧થી વધુ ગુમ છે. અનેક પ્રાણી-જાનવરો પણ તણાયા હોવાના અહેવાલ છે. મંડીમાં પૂરની સ્થિતિ વચ્ચે બચાવ કામગીરી ચાલી રહી છે. ૧૩૧૭ ફૂડ કીટનુ વિતરણ કરવામાં આવ્યું હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ રાજીવ બિંદલે જણાવ્યું હતું.
હિમાચલમાં અતિ ભારે વરસાદના કારણે ૫૪૧ કરોડથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપ્યો છે. જોકે, મુખ્યમંત્રી સુખુએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વરસાદના કારણે નુકસાનનો આંકડો ૭૦૦ કરોડ નજીક પહોંચ્યો છે. ૨૫૮ પાવર ટ્રાન્સફોર્મર અને ૨૮૯ જળ પુરવઠો યોજનાઓ અસરગ્રસ્ત થઈ છે. ૨૦ જૂનથી વરસી રહેલા અતિ ભારે વરસાદના કારણે કુલ ૭૪ લોકોના મોત થયા છે. ૧૧૫થી વધુ ઘાયલ છે. જ્યારે ૭૦ લોકો ગુમ છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં છેલ્લા ૧૫ દિવસથી આકાશમાંથી વરસી રહેલી આફત મુદ્દે વધુ એક એલર્ટ જાહેર કર્યું છે. આગામી બુધવાર સુધી ચંબા, કુલ્લુ, કાંગડા, બિલાસપુર, હમીરપુર, સોલન, શિમલા, સિરમોર અને મંડીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ નવ જિલ્લામાં વહીવટી તંત્રને સતર્ક રહેવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે.