Last Updated on by Sampurna Samachar
વડોદરામાં લંપટ શિક્ષક સામે પોક્સોનો ગુનો દાખલ
છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ખાનગી શાળામાં ચાલુ ક્લાસમાં ગાળો બોલી વિદ્યાર્થીનીઓ શરમમાં મુકાઈ જાય તેવા ડબલ મિનિંગવાળા શબ્દો બોલી અડપલા કરનાર શિક્ષક સામે ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાલીના જણાવ્યા મુજબ, તરસાલીની એક ખાનગી શાળામાં ફરજ બજાવતા શિક્ષક વિનોદભાઈ શમસુભાઈ બારીયા (રહે- મારૂતિધામ સોસાયટી, ચંદ્રનગર પાસે, તરસાલી, વડોદરા ) છેલ્લા છ મહિનાથી વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય વર્તન કરી રહ્યા હતા. છોકરા- છોકરીઓ સાથે હોય ક્લાસમાં શિક્ષક ડબલ મિનીંગવાળા શબ્દો બોલતા છોકરીઓ શરમમાં મુકાતી હતી.
આરોપી દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું
વિદ્યાર્થીનીઓ બેઠી હોય તે બેંચ પર એકદમ નજીક આવી બેસી જાય છે. તેમજ વિદ્યાર્થીઓની મરજી વિરુદ્ધ તેમના ખભા પર હાથ મુકવા, માથે ટપલી મારવા જેવા શારીરિક અડપલા કરતા હતા. વિદ્યાર્થીનીઓ સગીર હોવા છતાં શિક્ષક દ્વારા અશ્લીલ ટીપ્પણીઓ અને યૌન ઇરાદાથી સ્પર્શ કરાતો હતો.
પોલીસે બીએનએસ અને પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપી વિનોદભાઈ બારીયાની અટકાયત કરી હતી. આરોપી દારૂના નશામાં હોવાનું જાણવા મળતાં તેની સામે પ્રોહિબિશન મુજબ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.